Gambhira Bridge Collapse : મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તુટી ગયેલ હોય જેના પરીણામે આ રસ્તા ઉપર વાહનની અવર-જવર દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવાનું ઇચ્છનીય હોઈ આજથી તા.૯ જુલાઈથી ગંભીરા પુલ પુનઃકાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવાતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇ પ્રસિદ્ધ કર્યું છે.ગંભીરા બ્રીજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

પ્રતિબંધીત રૂટ જોઈએ તો પાદરા આણંદને જોડતા ગંભીરા પુલ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ તથા ઉમેટા બ્રીજ ભારે વાહનો માટે પ્રતિબંધીત કરવામાં આવ્યો છે.

ડાયવર્ટેડ કરેલ રૂટની વિગતો જોઈએ તો,તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીધા વાસદ થઈને વડોદરા તરફ રૂટનું ડાયવર્ટ કરાયો છે. તદ ઉપરાંત બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઇને નીકળવું તેમજ ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં,પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રીજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવા અને મોટા વાહનોને વાસદ થઈને નિકળવા જણાવવામાં આવ્યું છે.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.