baroda: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ સ્ટાર્ટઅપ, મેઇક ઇન ઇન્ડિયા, મેઇડ ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક હરણફાળ ભરી રહ્યો છે.
આ સંદર્ભમાં તેમણે ઉર્મેયુ હતું કે, સ્ટાર્ટ અપ દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો પોતાના નાવિન્યસભર વિચારો દેશ અને દુનિયા સમક્ષ મુકી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી હરહંમેશ યુવાનોને વિકસિત ભારતના નિર્માણ માટે ન્યૂ એઇઝ પાવર તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા યોજાયેલા સ્ટાર્ટ અપ સિનેર્જી-૨૦૨૪માં ઉદ્યોગ સાહસિકોને સંબોધન કર્યુ હતું. આ પ્રસંગે.આ સ્ટાર્ટ અપ સિર્નજીમાં ૩૦૦થી વધુ નવા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં ડીજીટલ ઇન્ડિયાને વેગ મળ્યો છે. પ્રધાનમંત્રીના મિશન લાઇફ અને એક પેડ માં કે નામ જેવા અભિયાનોમાં નાગરિકો સંવેદના અને લાગણી સાથે જોડાઇ રહ્યા છે. ઉદ્યોગોના વિકાસ સાથે પર્યાવરણનું પણ જતન-સંવર્ધન કરવા તેમણે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા ઉદ્યોગકારોના સ્ટાર્ટઅપમાં જોડાવા અને નાની મોટી મુશ્કેલીઓમાં સરકાર તમારી સાથે છે તેવો વિશ્વાસ આપ્યો હતો.
મુખ્યમંત્રીએ સંસ્કારીનગરી વડોદરાના નાગરિકોને સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવી શહેરને કાયમ સ્વચ્છ રાખવા આહ્વાન કર્યુ હતું.
વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાત થકી સૌને પોતાનું યોગદાન આપવા મુખ્યમત્રીશ્રી પટેલે જણાવ્યું હતું .મુખ્યમંત્રીશ્રીએ યુવા ઉદ્યોગ સાહસિકોને કોઇપણ પરિસ્થિતિમાં વિચલિત થયા વગર પડકારોનો સામનો કરી આગળ વધવાની શીખ આપી હતી.
આ અવસરે પદ્મશ્રી મનોજ જોશીએ કહ્યુ હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારત ૨૦૪૭નું સ્વપ્ન નાના સ્ટાર્ટઅપ થકી પુર્ણ થશે. ભારત વૈશ્વિક આર્થિક મહાસત્તા બને તે માટે પાયાનું કામ સ્ટાર્ટઅપ કરશે.ભારતના યુવાઓમાં જે કલ્પના શકિત છે તેવી કલ્પના શકિત વિશ્વના યુવાઓમાં કયાંય જોવા મળતી નથી. નવનિર્માણ ભારતમાં સ્ટાર્ટ અપ મહત્વનો ભાગ ભજવી ઉદ્યોગ વેપારમાં વિશ્વમાં ભારત હંમેશા ધબકતું રહેશે. વર્ષ ૨૦૪૭માં ભારત વિકસિત દેશ બનશે ત્યારે સ્ટાર્ટ અપનો સિંહ ફાળો હશે.વડોદરા શહેર સંસ્કારી નગરી છે. વડોદરાએ ગુજરાતનું પંઢરપુર છે. ગુજરાતીઓના લોહીમાં વેપાર, સંસ્કાર, સદ્દભાવના અને રાષ્ટ્રભાવના વહે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ પ્રસંગે પૂર્વ પોલીસ અધિકારી અનિલ પ્રથમ, ઇગ્નોઇલના જોન્સન મેથ્યુ, બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના સી.ઇ.ઓ. દેવેન્દ્ર દુબેએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
પ્રારંભમાં બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ મુકુંદ પુરોહિતે શાબ્દિક સ્વાગત કર્યુ હતું અને આભારવિધિ ઉપપ્રમુખ નિર્મળ પારેખે કરી હતી.
આ અવસરે મેયર પિન્કીબેન સોની, સંસદ સભ્ય ડો.હેમાંગ જોશી, ધારાસભ્ય સર્વ ચૈતન્યભાઇ દેસાઇ, કેયુરભાઇ રોકડીયા, પેરા ઓલિમ્પિક વિજેતા શ્રીમંત જહા, બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના હોદ્દેદારો સહિત ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.