CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ સ્વાભિમાન પર્વ અન્વયે 72 કલાકના સામૂહિક ઓમકાર નાદનો પ્રારંભ ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવના પુરાણ પ્રસિદ્ધ મંદિરથી કરાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ સોમનાથ સ્વાભિમાન પર્વની ત્રિ-દિવસિય ઉજવણીની ગુરૂવારથી શરૂઆત થઈ છે.

આજથી એક હજાર વર્ષ પહેલા 1026 માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક રૂપે અડીખમ ઊભું છે.

આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી વડાપ્રધાનના પ્રેરણા માર્ગદર્શનમાં થઈ રહ્યો છે. આ પર્વમાં ઓમકાર નાદની ઊર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડવા મંદિરોમાં 72 કલાક ઓમકાર નાદના ગુંજારવથી ભક્તિમય વાતાવરણનું નિર્માણ થવાનું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઓમકાર નાદમાં ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવ મંદીરથી શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. તેમણે આ સામુહિક ઓમકાર નાદમાં સહભાગી થવાનો સૌને અનુરોધ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણી વિરાસત અને અસ્મિતાના ગૌરવને વધુ ઉજાગર કરવાની તક આપણને સૌને મળી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને મંદિરો – દેવાલયોમાં થતાં સામુહિક ઓમકાર નાદ અથવા તો પોતાના ઘરે પણ સમય મળે ત્યારે ઓમકાર મંત્ર સ્મરણ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા અપીલ કરી હતી.

CM Bhupendra Patelએ ઓમકાર નાદની શરૂઆત પૂર્વે ધોળેશ્વર મંદિરમાં ભક્તિ ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા.

ગાંધીનગરના મેયર મીરાંબહેન પટેલ, ધારાસભ્યો રીટાબેન પટેલ અને અલ્પેશભાઈ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ, શહેર પ્રમુખ આશિષભાઈ દવે, જિલ્લા કલેકટર મેહુલ દવે, પદાધિકારીઓ તેમજ શ્રદ્ધાળુ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ બહેનો દ્વારા થઈ રહેલા ભજન-કિર્તનનું પણ શ્રવણ કર્યું હતું. ધોળેશ્વર મહાદેવના મહંતએ મુખ્યમંત્રીનું શાલ અર્પણ કરીને અભિવાદન કર્યું હતું.