સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’ રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. સિરીઝમાં આલમઝેબનું પાત્ર ભજવતી અભિનેત્રી શર્મિન સંજયની ભાણી છે. ‘હીરામંડી’ રિલીઝ થઈ તે દિવસથી જ શર્મિનને સોશિયલ મીડિયા પરઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. ખરેખર, શર્મિન દ્વારા ભજવવામાં આવેલ આલમઝેબનું પાત્ર દર્શકોને પસંદ નથી આવી રહ્યું. હવે એક ઈન્ટરવ્યૂ દરમિયાન સંજય લીલા ભણસાલીને આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેની ભાણીને ટેકો આપતા ભણસાલીએ તેની પસંદગી પ્રક્રિયા વિશે વાત કરી.
સંજય લીલા ભણસાલીએ કહ્યું, ‘આલમઝેબના રોલ માટે શર્મિનનો પરફેક્ટ ચહેરો હતો જે મેં જોયો હતો. જો તમે આલમઝેબનો રોલ જોયો હોય તો એ દર્શાવવામાં આવ્યું છે કે તે ગણિકા બનવા માગતી નથી. હું આ રોલ માટે એવા નવા ચહેરાની શોધમાં હતો જેના ચહેરા પર નિર્દોષતા હોય. જે ગણિકાની જેમ વાત ન કરે. જેને કવિતામાં રસ હોય. તેથી આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મને શર્મિન આલમઝેબના રોલ માટે પરફેક્ટ લાગી.’
શર્મિનની ટ્રોલિંગ વિશે વાત કરતાં સંજયે કહ્યું,’મેં તેને કાસ્ટ તે કારણથી નથી કરી કે તે મારી ભાણી છે. આ રોલ માટે તેણે ઘણી વખત ઓડિશન આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન તે ઘણા ટેસ્ટમાંથી પસાર થઈ છે. મને ખબર નથી કે મેં તેના કેટલા ટેસ્ટ લીધા છે, મને ગણતરી બરાબર યાદ નથી’.
જ્યારે મેં નક્કી કર્યું હતું કે, હું શર્મિનને કાસ્ટ કરીશ, ત્યારે મેં તેને કહ્યું કે, ‘તારે ટેસ્ટ આપવો પડશે.આલમઝેબના પાત્ર પર યોગ્ય પકડ હોવી જોઈએ. કારણ કે આ એક એવી દુનિયા છે જ્યાં તમે પહેલા કદી પગ મૂક્યો નથી. તમે ક્યારેય અભિનય કર્યો નથી. મેં કાસ્ટ કરેલા આ તમામ કલાકારોની કારકિર્દી ઘણા વર્ષો સુધી રહી છે. કોણ જાણે તેમણે કેટલાં પાત્રો ભજવ્યાં છે? તે લોકો જાણે છે કે કોમળતા શું છે અને તેને સ્ક્રીન પર કેવી રીતે લાવવું, પરંતુ તમે નથી જાણતા. તમારે આ બધું શીખવું પડશે. કોમળતા, નખરા અને બધું.”