Sagar Rabari AAP: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી Sagar Rabariએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જળ સંપત્તિ વિભાગના એક તાજા રિપોર્ટ મુજબ ગુજરાતના 57 ટકા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી નથી. પાણીની ગુણવત્તા અને પુરવઠાની રીતે ગુજરાત સમગ્ર દેશમાં 30મા નંબરે છે. ભાજપનું 32મા વર્ષનું શાસન ચાલી રહ્યું છે અને આટલા વર્ષો બાદ પણ ભાજપે ભ્રષ્ટાચાર સિવાય ગુજરાતને કંઇ આપ્યું નથી અને ગુજરાતનું દેવું ચાર લાખ કરોડથી વધારે થઈ ગયું છે. ભાજપે અનેક વાઇબ્રન્ટ સમિટ કર્યા પરંતુ FDIમાં ગુજરાત ત્રીજા નંબરથી ક્યારેય પણ આગળ ગયું નથી અને હાલ જે ચાલુ નાણાકીય વર્ષ ચાલી રહ્યું છે તેમાં દેશના ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાત નથી. હવે સરકાર જીલ્લે જીલ્લે વાઇબ્રન્ટ સમિટ કરે છે. વાઇબ્રન્ટ સમિટના નામે મોંઘી ડિશોના જમણવારનો ભ્રષ્ટાચાર, ગુજરાતના લોકોના માથે દેવું ચડાવવું અને એની સામે ગુજરાતની જનતાને જે વળતર મળે છે, એમાં પાણીની ગુણવત્તામાં ગુજરાતનો દેશમાં 30મો નંબર અને કુપોષણમાં 31મો નંબર છે. નીતિ આયોગના આંકડા પ્રમાણે ગુજરાત માથાદીઠ આવકમાં 10મા નંબર પર આવે છે. ખેડૂતોની આવકની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં 12મા નંબરે છે, નાના નાના રાજ્યો માથાદીઠ આવક અને ખેડૂતોની આવકની દ્રષ્ટિએ ગુજરાતથી ઘણા આગળ છે. નીતિ આયોગના કહેવા પ્રમાણે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નજરેમાં 18મા નંબરે છે. તો આ તમામ વસ્તુ ભાજપના 32 વર્ષના શાસન દરમિયાન ગુજરાતની જનતાને મળેલી ભેટ છે. આ તમામ આંકડા ગુજરાતી જનતા સુધી આમ આદમી પાર્ટી પહોંચાડશે. વાસ્તવિક રીતે ગુજરાત આજે ક્યાં છે અને ગુજરાતનું શું ભવિષ્ય છે, એ વાત લઈને અમે જનતા સુધી જઈશું.

AAP નેતા સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ એટલે ભ્રષ્ટાચાર, કોઈને ભાજપી કહો તો એનો મતલબ એ થાય છે કે એ ભ્રષ્ટાચારી છે, એટલી હદે ભ્રષ્ટાચારના તાણાવાણા ભાજપ સાથે વણાઈ ચૂક્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ચાર કલેક્ટરો ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ થયા છે. સુરેન્દ્રનગરમાં જે તાજેતરમાં જ કલેકટર સસ્પેન્ડ થયા તેમની લાંચનો આંકડો છે કરોડો રૂપિયામાં છે. અમે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે કમલમના આશીર્વાદ વગર કોઈપણ કલેક્ટર આટલા મોટા ભ્રષ્ટાચાર કરવાની હિંમત કરે નહીં. ભાજપ એવું જ કામ કરે છે જેમાં બેફામપણે ભ્રષ્ટાચાર કરી શકાય. નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયા વાપર્યા પરંતુ ગુજરાતની જનતાને પાણી પહોંચાડી શક્યા નહીં. ચેક ડેમો બન્યા પરંતુ ભૂગર્ભ જળ ઊંચા આવતા નથી અને કરોડો રૂપિયા ચવાઈ ગયા, ભ્રષ્ટાચાર કરવા માટે પુલો બનાવવામાં આવે છે અને એ પુલ પડી જાય છે. ભાજપે મનરેગાના બોગસ મજૂરોના ખાતામાં પૈસા નાખીને ઉપાડી લેવાની કળા ભેટમાં આપી છે, શૌચાલય બનાવ્યા વગર બીજાના શૌચાલયના ફોટા પાડવાની કળા ભાજપે શીખવાડી છે. ભાજપ એટલું બેફામ બનીને ભ્રષ્ટાચાર કરે છે કે હવે ગુજરાતની જનતાએ જાગવાની જરૂરત છે. પાણીની ગુણવત્તામાં 30મા નંબર , કુપોષણમાં 31મા નંબરે, માથાદીઠ આવકમાં 10મા નંબરે અને શિક્ષણમાં 18માં નંબરે ગુજરાત છે, તો હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે ભાજપમાં અને પ્રધાનમંત્રીમાં જો શરમનો છાંટો હોય તો તેમણે ગુજરાતના જિલ્લા જિલ્લા જઈને વાઇબ્રન્ટના તાયફા બંધ કરી દેવા જોઈએ, કારણ કે તમારા તાયફાઓથી એક રૂપિયાનું FDI ગુજરાતમાં આવતું નથી. વિદેશી કંપનીઓ અહીંયાના ભ્રષ્ટાચાર અને અશાંતિથી થાકી ગઈ છે. માટે કોઈ વેપારી ગુજરાતમાં કોઈ નવું મૂડી રોકાણ કરવા માટે આવતો નથી. જેને પરિણામે ગુજરાતમાં બેરોજગારી કુદકેને ભૂસકે વધી રહી છે , ગુનાખોરી વધી રહી છે, ભાજપે નિખાલસતાથી સ્વીકારવું જોઈએ કે તેમને સત્તા ચલાવતા નથી આવડતી અને તેમણે નિખાલસતાથી રાજીનામું આપી દેવું જોઈએ.