CM Bhupendra Patel News: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા મેક ઇન ઇન્ડિયા મેઈડ ફોર ધ વર્લ્ડના ધ્યેયને સાકાર કરવાની દિશામાં દેશના વિકાસ રોલમોડલ સ્ટેટ ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ એક નક્કર કદમ ભર્યું છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ખોરજમાં જી.આઇ.ડી.સી. દ્વારા ઉપલબ્ધ કરાયેલી 1750 એકર જમીન પર 35 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગના નવા પ્લાન્ટની સ્થાપના કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર હિતાશી તાકેઉચીની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટના રોકાણ માટેના ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડ ઓવર સેરીમની ગાંધીનગરમાં યોજાઈ હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મારુતિ સુઝુકીના હોલ ટાઈમ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર શ્રી સુનિલ કક્કર પણ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મારુતિના આ નવા પ્લાન્ટથી સંભવિત 12 હજારથી વધુ લોકોને રોજગાર અવસર મળશે. એટલું જ નહીં, આ પ્લાન્ટના પરિણામે આસપાસના વિસ્તારોમાં એન્સીલીયરી યુનિટ્સ અને એમ.એસ.એમ.ઈ એકમો પણ સ્થપાશે એનાથી અંદાજે 7.50 લાખથી વધુ પરોક્ષ રોજગારી મળતી થશે અને એક સમગ્ર ક્લસ્ટરનું નિર્માણ થવાથી ઓટો હબ તરીકેની ગુજરાતની ઓળખને વધુ બળ મળશે.

આ પ્રોજેક્ટ અન્વયે દર વર્ષે 2.5 લાખ કારની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 4 પ્લાન્ટ મળીને કુલ 10 લાખ કાર પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતાનો પ્લાન્ટ વિકસાવવામાં આવશે. પહેલા પ્લાન્ટનું ઉત્પાદન 2029ના ફાઇનાન્સિયલ ઈયરથી શરૂ કરવાનું મારુતિ સુઝુકી ઈન્ડીયા લિમિટેડનું આયોજન છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારુતિ સુઝુકી ઈન્ડીયા લિમિટેડના પ્રોજેક્ટ રોકાણને આવકારતા કહ્યું કે, આ માત્ર એક નવી ઓટોમોબાઇલ ઉત્પાદન સુવિધા જ નથી પરંતુ દેશના સૌથી મોટા અને સૌથી સ્પર્ધાત્મક ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ કોરિડોરને વધુ સુદ્રઢ કરવાનું મહત્વનું પગલું પણ છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત-ગુજરાત-જાપાન સંબંધો હંમેશા ઉત્સાહપૂર્ણ રહ્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પોતાની જાપાન મુલાકાત દરમિયાન સુઝુકીના CEOએ ગુજરાતને સેકન્ડ હોમ તરીકે ઓળખાવ્યું તે ભરોસો જાળવી રાખવા સરકાર સતત પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં સસ્ટેનેબલ પોલીસીઝ મેકિંગથી ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ બન્યું છે. આ ઉપરાંત રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબના વિકાસ અભિગમની પ્રતિષ્ઠા પણ ગુજરાતે મેળવેલી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટમાં શરૂઆતથી જાપાન પાર્ટનર કન્ટ્રી અને વિકાસનું ભાગીદાર રહ્યું છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, મારુતિ સુઝુકી મોટર્સ જ્યારે પ્રથમવાર ગુજરાતમાં રોકાણ માટે આવ્યું, ત્યારે મદદ માટેની જે તત્પરતા અને સહયોગ રાજ્ય સરકારે દાખવ્યો હતો તેવો જ સહયોગ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સતત મળતો રહેશે.

મારુતિ સુઝુકી મોટર્સના એમડી હિતાશી તાકેઊચીએ ગુજરાત સરકાર દ્વારા મારુતિ સુઝુકીને મળી રહેલા સહયોગની પ્રશંસા કરતા જણાવ્યું કે, ગુજરાત મોબિલીટી ટ્રાન્સફોર્મેશનમાં લીડર બની રહ્યું છે તેનો લાભ પણ મારુતિ સુઝુકીને મળ્યો છે.

ગુજરાત સરકાર સાથેની મજબૂત સહભાગીતાથી ગુજરાતમાં મારુતિના ઉત્પાદન એકમો દ્વારા મેઈક ઈન ઈન્ડીયા ઈનિસ્યેટીવમાં પણ મારુતિ સુઝુકી સક્રિય યોગદાન આપવા તત્પર છે તેમ તેમણે જણાવ્યુ હતુ.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ નવી વ્હીકલ ફેસિલિટીના નિર્માણ માટે ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ વચ્ચે 2024ની વાઇબ્રન્ટ સમિટમાં એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2012માં સુઝુકી મોટર્સને ગુજરાતમાં રોકાણ માટે નિમંત્રણ પાઠવ્યું હતું. તેના પ્રતિસાદ રૂપે હાંસલપુરમાં મારુતિનો ગુજરાત ખાતેનો પ્રથમ પ્લાન્ટ કાર્યરત છે. આ પ્લાન્ટમાં હાલ પ્રતિવર્ષ 7.50 લાખ કાર ઉત્પાદન થાય છે અને 2026-27ના ફાઇનાન્સિયલ ઈયર સુધીમાં 2.50 લાખ કારનો વધારો કરીને દર વર્ષે 10 લાખ યુનીટ ઉત્પાદનની યોજના રાખવામાં આવી છે.

આ અવસરે મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે તેમજ જી.આઇ.ડી.સી.ના એમ.ડી. પ્રવીણા ડી.કે અને મારુતિ સુઝુકી મોટર્સના સી.એફ.ઓ. અર્નબ રોય, સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર મંજરી ચૌધરી તથા એક્ઝિક્યુટિવ ઓફિસર પરીક્ષિત મૈની, જીગર દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.