Yatrik Patel AAP: આ વર્ષે પીએચડીમાં કરાયેલા ફી વધારા મુદ્દે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આ દરમિયાન યાત્રિક પટેલ પ્રમુખ અમદાવાદ શહેર AAP વિદ્યાર્થી પાંખ, તીર્થ શ્રીમાળી મહામંત્રી અમદાવાદ શહેર વિદ્યાર્થી પાંખ AAP, જતીન પટેલ મહામંત્રી અમદાવાદ શહેર AAP, પ્રતીક સોલંકી ઉપપ્રમુખ અમદાવાદ શહેર AAP વિદ્યાર્થી પાંખ, સિદ્ધિ ભાવસાર પ્રમુખ મહિલા વિંગ AAP, અમિત પંચાલ ઉપપ્રમુખ અમદાવાદ શહેર AAP સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્ર આપ્યા બાદ યાત્રિક પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જ્યારે અમે કુલપતિને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે કુલપતિએ સ્પષ્ટપણે વધારો પરત ખેંચવાની મનાઈ કરી હતી અને કહ્યું હતું કે કોઈપણ સંજોગોમાં ફી વધારો પરત ખેંચવામાં આવશે નહીં. ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો અને ગુજરાત સરકાર માત્ર રૂપિયાવાળાઓનું કામ કરે છે અને રૂપિયાવાળાઓનું જ સાંભળે છે અને આ તેમની જ સરકાર છે. સામાન્ય જનતા માટે, સામાન્ય વિદ્યાર્થીઓ માટે કામ કરવામાં આ સરકાર જરા પણ રસ ધરાવતી નથી. આ જે વધારો કરવામાં આવ્યો છે તે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક રીતે ખૂબ જ નુકસાન કરે તેમ છે, કારણ કે Ph.Dના વિદ્યાર્થીઓ માટે પહેલા 7900 રૂપિયાની ફી હતી હવે તેને વધારીને 12,400 રૂપિયા કરી નાખવામાં આવી છે. આ રીતે એક ઝટકામાં 50%થી પણ વધારે ફીમાં વધારો કરવામાં આવ્યો હોવાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે પરંતુ એ પૈસા વિદ્યાર્થીઓ સુધી પહોંચતા નથી. આ ફી વધારાને મુદ્દે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એક તરફ દેશમાં વિવિધ શિક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત સરકાર વિદ્યાર્થીઓ પર ફી વધારીને બોજો નાંખી રહી છે. શું ગુજરાત સરકાર પાસે નાણાની અછત છે? શું ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પૈસા વાપરી શકતી નથી? અને જો આ સરકાર પાસે નાણાની અછત છે તો પછી તો ગુજરાત સરકારને અમારો સીધો સવાલ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા માટે જર્મન ડોમના પૈસા ક્યાંથી આવે છે? મુખ્યમંત્રીના કાફલા માટે નવી ફોર્ચ્યુનર ગાડીઓના પૈસા ક્યાંથી આવે છે? નવા હેલિકોપ્ટરના પૈસા ક્યાંથી આવે છે?

એક તરફ દેશના હિતની, યુવાધનને રોજગાર આપવાની, દેશના વિકાસમાં યુવાધનના શ્રેષ્ઠ ફાળાની અપેક્ષા રાખવામાં આવે છે અને એ જ યુવાધન જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવીને, પોતાના પગભર ઉભા રહીને આગળ વધવા માંગે છે તો એજ યુવાધનના પગ પર આ સરકાર કુહાડી મારી રહી છે. જે પૈસા યુવાનોના હિત માટે અને વિદ્યાર્થીઓના હિત માટે તથા ગુજરાતના લોકોના હિત માટે વાપરવા જોઈએ એ પૈસાને એડવર્ટાઇઝમેન્ટમાં વાપરવામાં આવે છે, મુખ્યમંત્રીના કાફલામાં વાપરવામાં આવે છે અને પૈસાને ખોટી રીતે વીઆઈપી કલ્ચરમાં વાપરવામાં આવે છે. આવા બિનજરૂરી ખર્ચાઓ બંધ કરવામાં આવે અને Ph.Dના વિદ્યાર્થીઓની ફી માં જે વધારો કર્યો છે તે ફી વધારાને પાછો ખેંચવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા કરવામાં આવી છે. જો આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને રસ્તા પર ઉતરશે અને આંદોલન કરશે, તાળાબંધી કરશે અને જરૂર પડશે તો જેલમાં જવાની તૈયારી પણ બતાવી છે. એટલું જે નહીં જરૂર પડે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચિમકી પણ પ્રમુખ અમદાવાદ શહેર AAP વિદ્યાર્થી પાંખ યાત્રિક પટેલે ઉચ્ચારી છે.