Gujarat News: તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘ખેલ મહાકુંભ’ના માધ્યમથી ગુજરાતના છેવાડાના યુવાનોને રમત-ગમત સાથે જોડ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે ગુજરાતીઓએ ચેસમાં ‘ગ્રાન્ડ માસ્ટર’ની સિદ્ધિ હાંસલ કરી હતી. જેમાં ભારતના ૧૧મા ગુજરાતના પ્રથમ ‘ગ્રાન્ડ માસ્ટર’ તેજસ બાકરે તથા ભારતના ૩૬મા તેમજ ગુજરાતના દ્વિતિય ગ્રાન્ડમાસ્ટર અંકિત રાજપરાનો સમાવેશ થાય છે.

આજે Gujaratમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આજે શાળા કક્ષાએથી જ ચેસ સહિતની અન્ય રમતો માટે ખેલાડીઓમાં જાગૃતિ આવી રહી છે. ચેસની રમત બાળકોમાં ધીરજ, સ્થિતિ સ્થાપકતા અને ખેલદિલી જેવા મૂલ્યવાન જીવન કૌશલ્યો અને મૂલ્યો શીખવે છે. ગુજરાતમાં ચેસની રમત માટે એવી જાગૃતિ આવી છે કે, ખેલ મહાકુંભ ૩.૦ માં ચેસની રમતમાં ૯૨ હજારથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. આ ઉપરાંત હાલમાં જ રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકોને રમત –ગમત ક્ષેત્રે રસ વધે તે માટે ‘સ્પોર્ટ્સ કીટ’ આપવાનો પણ મહત્વનો નિર્ણય કર્યો છે,જેમાં ચેસનો પણ સમાવેશ થાય છે.

ચેસની રમતમાં ગુજરાતમાં અત્યારસુધીમાં બે ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે અને અંકિત રાજપરા થઇ ચૂક્યા છે. ઇન્ટરનેશનલ માસ્ટર (IM) ફેનિલ શાહ, માનુષ શાહ, તથા મોક્ષ દોશી છે. મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર (WIM) ધ્યાની દવે અને વિશ્વા વાસણવાલા, ફિડે માસ્ટર કુશલ જાની, જીત જૈન, જ્વલ પટેલ અને વિવાન શાહ છે. જેમાંથી વિવાન શાહે એક ઇન્ટરનેશનલ માસ્ટરની ખ્યાતિ મેળવી ઇન્ટરનેશનલ માસ્ટર બનવાનું પ્રથમ સોપાન હાંસલ કર્યું છે. મહિલા ફિડે માસ્ટર ધ્યાના પટેલ (WFM) છે.

આ ઉપરાંત દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી દર્પણ ઈનાની-૨૦૨૩ પેરા એશિયન ગેમ્સમાં વ્યક્તિગત રમતમાં તથા ટીમમાં સુવર્ણપદક હાંસલ કર્યું હતું તેમજ દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી હેમાંશી રાઠીએ પેરા એશિયન ગેમ્સમાં-૨૦૨૨માં કાંસ્ય પદક મેળવ્યો હતો. વર્લ્ડ ગર્લ્સ સ્કૂલ અંડર-૭ શાળાકીય સ્પર્ધામાં લક્ષ્મી પ્રજ્ઞિકા વાકાએ સુવર્ણ પદક, હાન્યા શાહે વેસ્ટર્ન એશિયન યુથ ચેમ્પિયનશીપ શ્રીલંકામાં સુવર્ણ, રજત તથા કાંસ્ય પદક, અસુદાની રુહાનીરાજ ૧૧ મી એશિયન અમેચ્યોર ચેમ્પિયનશીપ ૨૦૨૪-૨૫માં રજત તથા કાંસ્ય પદક, આશીતા જૈન રાષ્ટ્રીય સબજુનિયર સ્પર્ધા -૨૦૨૪માં રજત પદક, યતિ અગ્રવાલે એશિયન સ્કૂલ ચેમ્પિયનશીપ -૨૦૨૪ ટીમમાં રજત પદક તેમજ જ્વલ પટેલે કોમનવેલ્થ સ્પર્ધા-૨૦૨૪માં સુવર્ણ પદક મેળવી ગુજરાતનું નામ દેશ અને વિશ્વ કક્ષાએ ઉજ્જવળ કર્યું હતું.

આ ઉપરાંત રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવમાં (SGFI)માં ૨૦૨૪-૨૫માં ૧૪ વર્ષથી ઓછી આયુ અવધિ વાળી ટીમ સ્પર્ધામાં ભાઈઓની ટીમે કાંસ્ય પદક તથા બહેનોની ટીમે રજત પદક પ્રાપ્ત કર્યો હતો. વ્યક્તિગત શ્રેણીમાં અદીત્રી શોમે સુવર્ણ પદક, અર્પિતા પાટણકરે કાંસ્ય પદક, દીના પટેલે રજત પદક તથા જ્વલ પટેલે સુવર્ણ પદક અને મીકદાદે કાંસ્ય પદક મેળવ્યો હતો. વર્ષ- ૨૦૨૩માં સિનીયર સામૂહિક રાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં ગુજરાતની ટીમ દ્વારા કાંસ્ય પદક પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ- ૨૦૨૫ દર વર્ષે તા. ૨૦ જૂલાઈના રોજ ઉજવવામાં આવે છે. ૨૦ જૂલાઈ, ૧૯૨૪ના રોજ પેરિસ, ફ્રાંસમાં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ની સ્થાપનાને ચિહ્નિત કરે છે. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)ની સ્થાપના આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાઓનું આયોજન, દેખરેખ તેમજ વૈશ્વિક સ્તરે ચેસની રમતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ- ૨૦૨૫ ‘Every Move Counts’ની થીમ પર ઉજવવામાં આવશે.