Gujarat News: મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના કાલાદેહી ગામ પાસે પુલ સાથે અથડાયા બાદ કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં અરવલ્લી જિલ્લાના લાલપુર કમ્પાના વતની ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ લોકો મહારાષ્ટ્રના પુણેમાં રહેતા હતા. પુણેથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ માટે જઈ રહ્યા હતા.
મૃતકોમાં નીરુ પટેલ (48), વિનોદ પટેલ (50), શિલ્પા પટેલ (47), અરવલ્લી જિલ્લાના લાલપુર કમ્પાના વતની અને મહારાષ્ટ્રના પુનાના રહેવાસીઓનો સમાવેશ થાય છે. દરમિયાન નરેશ પટેલ (50) ઘાયલ થયા હતા અને તેમને જબલપુર મેડિકલ કોલેજમાંથી જામદાર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
પટેલ પરિવારના આ લોકો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં કારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર કાબૂ બહાર નીકળી ગઈ હતી અને જબલપુરના કાલાદેહી ગામ પાસે એક પુલ સાથે અથડાઈ હતી અને પલટી ગઈ હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.
માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક સુનીલ નેમા તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કારમાં ફસાયેલા લોકોને ક્રેન અને એમ્બ્યુલન્સની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. નીરુ, વિનોદ અને શિલ્પા પટેલને જબલપુર મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા. બરગી પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે.