Gujarat દેશનું એવું રાજ્ય છે જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ પર સૌથી વધુ કામ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે દેશમાં ગોબર્ધન યોજના એટલે કે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સીસ ધન યોજના અમલમાં મૂકી. આ યોજના દેશના ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુજરાતમાં આ યોજના હેઠળ 33 જિલ્લામાં 7200 થી વધુ બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે, જે કાર્યરત છે. આ યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 37 હજાર રૂપિયાની સબસિડી ઉપલબ્ધ છે. આ બાયોગેસ પ્લાન્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય અને રોજગારના માધ્યમો મળી રહ્યા છે.

7200 થી વધુ બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે
ગુજરાતમાં આ યોજના હેઠળ 7200 થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. જેના કારણે પશુપાલકોની સમૃદ્ધિ વધી રહી છે. બાયોગેસ પ્લાન્ટ પરંપરાગત ઈંધણના ખર્ચમાં બચત કરવાની સાથે સાથે લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો કરી રહ્યા છે. ગોબર-ધન યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ વ્યાપક બાયોગેસ કાર્યક્રમનો એક ભાગ છે. આ યોજના 1 નવેમ્બર, 2018 ના રોજ રાજ્યના જલ શક્તિ મંત્રાલય – જળ અને સ્વચ્છતા વિભાગ હેઠળ શરૂ કરવામાં આવી હતી. ગોબરધન યોજનાનો ઉદ્દેશ્ય ગાયના છાણ, કૃષિ-અવશેષો અને અન્ય કાર્બનિક કચરા જેવા કચરાને બાયોગેસ/CBG/બાયો CNGમાં રૂપાંતરિત કરવાનો છે.

37,000ની સબસિડી
કેન્દ્ર અને રાજ્ય સરકારો બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે યુનિટ દીઠ રૂ. 37,000ની સબસિડી આપે છે. દરેક 2-ક્યુબિક મીટર ક્ષમતાના બાયોગેસ પ્લાન્ટ માટે, લાભાર્થીનું યોગદાન રૂ. 5,000, કેન્દ્ર અને રાજ્ય સરકારનું યોગદાન રૂ. 25,000 અને મનરેગા યોગદાન (બાયોગેસ પ્લાન્ટના ખાડા અને સ્લરી સંગ્રહ માટે) રૂ. 12,000 નક્કી કરવામાં આવ્યું છે. 42,000 રૂપિયાના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે અને લાભાર્થીએ માત્ર 5000 રૂપિયાનું રોકાણ કરવાનું છે. બાયોગેસ પ્લાન્ટ માટે અમલીકરણ એજન્સી તરીકે બનાસ ડેરી, સાબર ડેરી, દૂધ સાગર ડેરી, અમૂલ ડેરી અને એનડીડીબીની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 76000 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનો લક્ષ્યાંક છે, જેમાંથી 7276 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે.