Radhika Rathwa AAP: રાજ્યમાં વારંવાર અનેક કૌભાંડ સામે આવતા રહે છે. હજુ તો 2500 કરોડનાં મનરેગા કૌભાંડનું કોકડું ઉકેલાયું નથી ત્યાં ફરી એક વખત મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે વાત કરતાં આમ આદમી પાર્ટી છોટાઉદેપુરનાં જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. થોડા દિવસ પહેલા જ AAP ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાતમાં ₹2500 કરોડનું મનરેગા કૌભાંડ બહાર લાવ્યા હતા. આ મનરેગા કૌભાંડનાં ખુલાસા અને પુરાવા પણ આપ્યા હતા પરંતુ આજ સુધી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. ત્યાં વધુ એક વખત રાજ્યમાં મનરેગાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં 22 લાખ નકલી મજૂરોને વેતન ચૂકવવામાં આવ્યું છે. આ રજીસ્ટર્ડ થયેલા 22 લાખ નકલી મજૂરોનાં નામ પર એજન્સીઓએ બારોબાર પૈસા ઉપાડ્યા છે.

AAP નેતા રાધિકા રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે, હું સરકારને પૂછવા માગું છું કે કોના આર્શીવાદથી આ ખોટા મજૂરોના નામે પૈસા ઉપાડવામાં આવ્યા? આ ભ્રષ્ટ એજન્સીઓને કોણ સહકાર આપી રહ્યું છે? આ સરકારે સંસદમાં એક રિપોર્ટ રજૂ કર્યો હતો કે ખોટા મનરેગામાં જે જોબકાર્ડ છે તેના પર પૈસા ઉપાડવામાં આવે છે ,છતાં તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કેટલાક જોબકાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. હું સરકારને પૂછવા માગું છું કે ક્યાં ડોક્યુમેન્ટનાં આધારે આ જોબકાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે? ક્યાં ડોક્યુમેન્ટનાં આધારે તેમને મજૂર તરીકે લેવામાં આવ્યા હતા? આ મામલે સરકાર ખુલાસા અને પુરાવા જાહેર કરે. આદિવાસીઓને 100 દિવસ રોજગાર આપવાની યોજનામાં પણ સરકાર, તેમની એજન્સીઓ અને મળતીયાઓ રોજ ભ્રષ્ટાચાર કરે છે. કેવી રીતે પૈસા ઉપાડવા અને ભ્રષ્ટાચાર કરવો તે જ સરકારની નીતિ છે. આ મનરેગા કૌભાંડ મામલે દસ્તાવેજો અને ખુલાસો કરવા માટે રજૂઆત કરી હતી.