Gopal Italia: આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે ગાંધીનગરમાં બજેટ સત્રના પ્રથમ દિવસે સદગત સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવા દરમ્યાન વિસાવદરના પૂર્વ ધારાસભ્ય સ્વ. ધીરજલાલ ફુલાભાઈ રીબડિયાને વિધાનસભામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સત્રની શરૂઆત મહામહિમ રાજ્યપાલના અભિભાષણથી થઈ અને ત્યારબાદ ગુજરાત વિધાનસભાના દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે, આજે વિધાનસભામાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ધીરજલાલ ફુલાભાઈ રીબડિયા અંગે શોક પ્રસ્તાવ રજૂ થયો હતો. તેઓ વિસાવદર ગામ પંચાયતના સરપંચ અને સભાપતિ પણ રહી ચૂક્યા હતા. તેમના પિતા ફુલાબાપાએ જૂનાગઢના નવાબશાસન દરમિયાન ખેડૂતોના દેવા માફી માટે સંઘર્ષ કર્યો હતો અને તે સમયના શાસન દ્વારા અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.

AAP ધારાસભ્ય Gopal Italiaએ જણાવ્યું હતું કે, સદગત ધીરજલાલ રિબડીયા ખૂબ જ મિલનસાર સ્વભાવના હતા અને જૂનાગઢના તેમજ આસપાસના લોકોના પ્રશ્નો માટે હંમેશા સજાગ અને તત્પર હતા. તેમના કાર્યકાળમાં સદગતે ખેડૂતો માટે ઘણાં સારા કાર્યો કર્યા હતા અને ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવે તે માટે સતત પ્રયત્નશીલ હતા.