children’s university: વિશ્વની પહેલી એવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના ૧૫મા સ્થાપના દિવસની ઉજવણી આજે સ્વર્ણિમ સંકુલ-૨ના દ્વારકા ખંડ,ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષકની કારકિર્દી એક વ્યવસાય નહિ, પણ જીવન દર્શન સાથે વ્યક્તિ નિર્માણની સાધના છે, એટલે જ, રાષ્ટ્ર નિર્માણના પ્રજ્વલિત યજ્ઞમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન શિક્ષકોનું હોય છે. એક શિક્ષક બાળ માનસના વિકાસ થકી સમાજમાં સદભાવનાનું વાતાવરણ ઉભુ કરે છે. આજનો બાળક મૂળ તત્વથી ઉછરીને ટેક્નોલોજી સાથે ભણીને રાષ્ટ્ર નિર્માણ સહિત સમાજ કલ્યાણ માટે સમર્પિત રહી પોતાની ફરજનું પાલન કરે, તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણના વિઝન અને ચિંતનથી આ દિશામાં મહત્વનું કાર્ય કરી રહી છે. આપણી સંસ્કૃતિની ધરોહર સાથે આજના બાળકનો ઉછેર જરૂરી છે. આપણા શાસ્ત્રો કહે છે કે, ગર્ભમાં જ બાળકને સંસ્કાર અને શિક્ષણ મળે છે. પ્રકૃતિ સાથે બાળકોનો તાલમેલ રાખી તેમને ગમતી પ્રવૃતિઓ કરવા દઈશું તો બાળકના માનસનો સર્વાંગી વિકાસ થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં બાળઉછેર, બાળ કેળવણી, બાળવિકાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગાંધીધામની શ્રી સરસ્વતી શિશુ મંદિર બાલવાટિકાને ‘ગીજુભાઈ બધેકા એવોર્ડ’થી મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરી ‘બાલવાટિકા એવોર્ડ’ અને રૂ. ૧,૦૦,૦૦૦/-નો ચેક અર્પણ કરાયો હતો. આ ઉપરાંત જી-સેટ પરીક્ષા પાસ કરનાર અને ‘શોધ’ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને મંત્રી હસ્તે સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યું હતું. જ્યારે શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ સિદ્ધી પ્રાપ્ત કરનાર ચાર શિક્ષકોને પણ મંત્રી દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા હતા.