Amit Chavda News: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ Amit Chavdaએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, દેશના બંધારણે દરેક નાગરિકને એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપ્યો છે, જે માત્ર મતાધિકાર નથી પરંતુ આ દેશની લોકશાહીનું રક્ષણ કરવાની જવાબદારી પણ છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા, તટસ્થતા અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઊઠતા આવ્યા છે. અનેક પુરાવાઓ સામે આવ્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

રાહુલ ગાંધીએ જે રીતે આખા દેશના મનમાં રહેલી ચૂંટણી પ્રક્રિયા સંબંધિત શંકાઓને પુરાવા સાથે ઉજાગર કરી, વોટચોરીના નેક્સસને ખુલ્લું પાડ્યું, તે લોકશાહી માટે ઐતિહાસિક ક્ષણ છે. 7 ઓગસ્ટ 2025ની તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટકમાં થયેલી વોટચોરીના તથ્યો રજૂ કર્યા, પરંતુ ચૂંટણી પંચ ચૂપ રહ્યું. બીજી તરફ, સરકાર અને ભાજપના નેતાઓ ખોટા આક્ષેપો કરીને વિમુખ કરવાનો પ્રયાસ કરતા રહ્યા. 5 નવેમ્બર 2025ની બીજી પ્રેસ કોન્ફરન્સમાં હરિયાણાની મતદાર યાદીમાં વિદેશી અભિનેત્રીના ફોટા સાથે 22 વખત નામ નોંધાયેલાનું ખુલાસા થયા, હજારો ખોટા મતદારો મળી આવ્યા—તે આખા દેશમાં હાઈડ્રોજન બોમ્બ સમાન સાબિત થયું છતાં ચૂંટણી પંચ ફરી પણ ચૂપ.

ગુજરાતમાં પણ વોટચોરીને લઈને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગંભીર કામ થયું. નવસારી લોકસભા (કે જેમાંથી ચૂંટાઈને સી.આર. પાટીલ આજે કેન્દ્રના મંત્રી છે) ના ચોર્યાસી વિધાનસભા વિસ્તારના 40% મતદારોની ચકાસણી કરતા 12% મતદારો ખોટા કે શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું. રાજ્યભરમાં આ રેશિયો પ્રમાણે 60 લાખથી વધારે ખોટા મતદારો હોવાની તા. 30 ઓગસ્ટ, 2025 ના રોજ અમારી રજૂઆતને ભાજપ અને ચૂંટણીપંચ સતત નકારી રહ્યા હતા. આજે ખુદ ચૂંટણી પંચે સ્વિકાર્યું છે કે, SIR પ્રક્રિયામાં કુલ 5,08,43,436 મતદારો પૈકી 14.61% એટલે 74 લાખથી વધારે મતદારો અહિ હયાત નથી, મૃત્યુ પામેલા છે, ડુપ્લિકેટ છે અથવા સ્થળાંતરિત છે તેવું જાહેર કરીને અમારા મુદ્દાને સાચો સાબિત કર્યું છે. આનો સ્પષ્ટ અર્થ છે કે ગુજરાતમાં 2002થી અત્યાર સુધીની ભાજપ દ્વારા જીતેલી દરેક ચૂંટણીમાં 14% જેટલી વોટચોરી થઈ છે.

SIRની પ્રક્રિયામાં તૈયારીના અભાવ, બીએલઓ પર રાજકીય દબાણ અને માનસિક ત્રાસના કારણે રાજ્યમાં 9 જેટલા બીએલઓના કરુણ મોત થયા. તેમ છતાં ચૂંટણી પંચ પોતાની ભૂલો ઢાંકવાની કોશિશમાં છે. બીજી બાજુ વિદેશમાં રહેતા, નાગરિકતા બદલી ચૂકેલા લોકોના મતદારો યાદીમાં યથાવત્ છે, જે ફોર્મ કોઇ બીજા લોકો ભરીને જમા કરાવતા હોવાના સ્પષ્ટ પુરાવા છે. ડુપ્લિકેટ વોટર્સની યાદી જાહેર કરવાની અમારી માંગ આજે પણ અધૂરી છે.

દેશની સંસદમાં પણ ચૂંટણી પંચની પારદર્શિતા અને કાનૂની રક્ષણ બાબતે ગંભીર ચર્ચા થઈ, છતાં સરકાર કોઈ સંતોષકારક જવાબ આપી શકી નથી. દેશની જનતાનો પ્રશ્ન છે કે શું કારણ છે કે ચીફ જસ્ટિસને ચૂંટણી કમિશનરના પસંદગી પેનલમાંથી દૂર કર્યા? શું કામ ચૂંટણી પંચને અતિશય કાનૂની સુરક્ષા આપવામાં આવી? સીસીટીવી ફૂટેજ 45 દિવસમાં શા માટે ડિલીટ કરવામાં આવે છે? આ બધું આજનું સૌથી મોટું રાજકીય-લોકશાહી સવાલ છે.

વોટચોરીના આ નેક્સસ સામે સમગ્ર દેશમાં એક જ નારો ગુંજાયો—“વોટ ચોર, ગાદી છોડ”. આ લોકઆંદોલનને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ “વોટ ચોર, ગાદી છોડ” સહી ઝુંબેશે ગુજરાત સહિત દેશભરમાં વ્યાપક પ્રતિસાદ મેળવ્યો છે. માત્ર ગુજરાતમાંથી 10 લાખથી વધુ લોકોએ આ ઝુંબેશમાં ભાગ લઈને લોકશાહી બચાવવાની માંગણીને સમર્થન આપ્યું છે. દેશભરમાં કરોડો સહીઓ એકત્રિત થઈ છે, જેને 14 ડિસેમ્બરે દિલ્હી ખાતે યોજાનારી ઐતિહાસિક “વોટ ચોર, ગાદી છોડ” મહારેલીમાં ચૂંટણી પંચને સુપરત કરવામાં આવશે.

દિલ્હીના રામલીલા મેદાન ખાતે તા. 14 ડિસેમ્બર રવિવારના રોજ બપોરે 1 કલાકે યોજાનારી આ મહારેલીમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબ, સમગ્ર દેશમાં વોટચોરીને ઉજાગર કરનાર જનનાયક રાહુલ ગાંધીજી, સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલજી તથા તમામ વરિષ્ઠ નેતૃત્વ ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તમામને આહ્વાન કરે છે કે લોકશાહી બચાવવા, વોટના સંવૈધાનિક હક્કની રક્ષા કરવા, અને વોટચોરીના આ ગઠબંધન સામે લડવા માટે 14 ડિસેમ્બરે મોટી સંખ્યામાં દિલ્હી પહોંચીને. વોટચોરોને ખુલ્લા પાડવા અને ગાદી છોડાવવાના અડગ સંકલ્પને સમર્થન આપવા અને આ લડાઈ પૂરી મજબૂતી સાથે લડવા સૌને આમંત્રણ છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડૉ. અમિત નાયક હાજર રહ્યાં હતાં.