Isudan Gadhvi AAP: આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં “પરિવર્તન સભા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, સુરત શહેર વિપક્ષ નેતા પાયલ સાકરીયા, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયડે, સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
સુરતના ગોડાદરા ખાતે વિશાળ “પરિવર્તન સભા”માં પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ સુરતની જનતા સમક્ષ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ્યારે હું સુરતમાં આવ્યો હતો ત્યારે મેં જોયું હતું કે સારા સારા બંગલાઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તો સુરતનું 10,000 કરોડનું બજેટ છે, આ 10,000 કરોડનું બજેટ કોણ ખાઈ જાય છે? અમે ખેડૂતો, ગરીબો, મધ્યમવર્ગ, દલિત, આદિવાસી, વંચિત, યુવાનો અને મહિલાઓનો અવાજ બનીએ છીએ એટલા માટે ભાજપના પેટમાં દુખે છે. કતલખાનાઓ ચલાવનારા લોકોના ફંડથી કમલમ બન્યા છે. સૌરાષ્ટ્રના ખેડૂતો રોજગારી માટે સુરત આવે છે અને બીજી બાજુ સુરતમાં રત્ન કલાકારો પાસે પોતાના બાળકોની ફી ભરવાના પણ પૈસા નથી. પણ હવે મને પૂરો વિશ્વાસ છે કે 2027માં સુરતની જનતા સુરતમાં ભાજપની એક પણ સીટ આવવા નહીં દે. સુરતમાંથી ભાજપના સૂપડાં સાફ થવાના છે.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપના લોકો એવું ઈચ્છે છે કે તમારા બાળકોના હાથમાં દારૂ અને ડ્રગ્સ, છરા અને તલવારો હોય. અમે ઈચ્છીએ છીએ કે તમારા બાળકોના હાથમાં કમ્પ્યુટર અને લેપટોપ હોય, તેમને સારી શિક્ષા મળે. કોઈ ડોક્ટર બને, કોઈ ઈજનેર બને, કોઈ ઈન્સ્પેક્ટર બને. આ લડાઈ બે વિચારધારાઓ વચ્ચે છે. એક એવી પાર્ટી છે જે તમારા બાળકોને ખોટા રસ્તે દોરવા માગે છે, અને બીજી આમ આદમી પાર્ટી છે જે તમારા બાળકોને આગળ વધારવા માગે છે. હવે નિર્ણય તમારે કરવો છે કે તમારે આશીર્વાદ કઈ પાર્ટીને આપવા. જ્યારે સત્તા ખૂબ શક્તિશાળી બની જાય છે, ત્યારે તે તાનાશાહ બની જાય છે, સૌથી પહેલા જનતાને નહીં, પરંતુ વિરોધ પક્ષને ખતમ કરે છે. વિરોધ નહીં રહે તો તમારો અવાજ ઉઠાવનાર કોઈ નહીં રહે. એટલા માટે એવું ન વિચારો કે “શ્રવણ જોશી જેલમાં છે તો મને શું?”, “ગોપાલ ઇટાલિયાને ગાળો આપી તો મને શું?” એ વિચારો કે જો વિરોધ પક્ષની દિવાલ તૂટી જશે તો આવતીકાલે આ તાનાશાહી સત્તાનો પંજો તમારા સુધી પણ આવી શકે છે. AAP નેતાઓ પર દયા ન ખાવ, અમને મત ન આપો તો ચાલશે, પરંતુ તમારા બાળકોના ભવિષ્ય વિશે તો વિચારો. જો ભાજપની સરકાર આવતી જ રહી તો તમારા બાળકોનું ભવિષ્ય શું થશે? ચારેય બાજુ દારૂના અડ્ડા ખુલ્લા છે, કોઈ પૂછતું નથી. પરંતુ જો તમે ખોટી રીતે ગાડી પાર્ક કરો તો આખું તંત્ર જાગી જાય છે. આ કેવી વ્યવસ્થા છે? આજની જનસભામાં તમારી હાજરી બતાવે છે કે કંઈક મોટો બદલાવ થવાનો છે. રાત્રે 10 વાગ્યા સુધી માતાઓ, બહેનો, વેપારીઓ અહીં બેઠા છે, આ સામાન્ય વાત નથી. આ પરિવર્તનનો સંકેત છે. સામાન્ય માણસનું ભલુ કરવા માટે આમ આદમી પાર્ટી રાજકારણમાં આવી છે. તમારા આર્શીવાદનો એક હાથ અમારા માથા પર પડશે તો ગુજરાતની કાયાપલટ થઈ શકે છે.





