Ahmedabad: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ચકચારી ઘટનાના પગલે વાલીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 100થી વધુ વાલીઓએ પોતાના બાળકોનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) કઢાવવા માટે અરજી કરી છે. વાલીઓની ચિંતા મુખ્યત્વે બાળકોની સુરક્ષા અને તેમના ભવિષ્યના અભ્યાસને લઈને છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિદ્યાર્થીઓનું અભ્યાસ ખોરવાય નહીં તે માટે તેમણે એક વચગાળાનું આયોજન કર્યું છે. DEO કચેરીના ચાર અધિકારીઓની ખાસ ટીમ રચીને સીધી સ્કૂલમાં તૈનાત કરવામાં આવી છે, જે વાલીઓના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ લાવશે અને બાળકોને અન્ય શાળામાં પ્રવેશ અપાવવા માટે માર્ગદર્શન આપશે.
ટીમનું મુખ્ય કામ એ છે કે વાલીઓને સરળતાથી LC મળી રહે અને વિદ્યાર્થીઓને તાત્કાલિક નવી શાળામાં પ્રવેશ મળે. DEO દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલ માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિના પણ વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવશે. મણિનગર અને આસપાસની શાળાઓને આ અંગે સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને તરત જ પ્રવેશ આપે જેથી તેમના અભ્યાસમાં ખલેલ ન પડે.
વાલીઓ હવે સીધા DEO કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને તેમના બાળકોનું એડમિશન અન્ય શાળામાં સરળતાથી મેળવી શકશે. આ પગલાં વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
શું હતી ઘટના?
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થીએ અન્ય 7-8 સાથીઓ સાથે મળીને ધોરણ-10ના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. થોડા દિવસ પહેલાં બંને વચ્ચે ધક્કામુક્કી થઈ હતી, જેને લઈને અદાવત ઉભી થઈ. આ જ અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ પોતાના મિત્રો સાથે ભેગા થઈ ચપ્પુ વડે હુમલો કર્યો. હુમલામાં ધોરણ-10નો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું.
આ ઘટનાએ માત્ર શાળા જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં હલચલ મચાવી છે, અને હવે વાલીઓ પોતાના બાળકોની સુરક્ષા માટે સ્કૂલ છોડીને અન્ય શાળાઓમાં દાખલ કરવાની દોડધામમાં લાગી ગયા છે.
આ પણ વાંચો
- Mumbai માં લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાતા વિમાન સુરક્ષિત રીતે ઉતરાણ કરી રહ્યું છે, જેમાં 210 મુસાફરોએ શ્વાસ રોકી રાખ્યા
- Silver: ચાંદીના ભાવમાં ₹13,000નો તીવ્ર ઘટાડો, સોનું પણ ઘટ્યું; જાણો શું ચાલી રહ્યું છે વૈશ્વિક બજારમાં
- Naxalite: ગઢચિરોલી એન્કાઉન્ટરમાં નક્સલી પ્રભાકર માર્યો ગયો; ત્રણ મહિલાઓ સહિત 7 માઓવાદીઓ માર્યા ગયા
- Agni: ભારતે અગ્નિ-૩, એક મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
- Vaibhav suryavanshi: ભારત છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું, વૈભવ સૂર્યવંશીએ ૧૭૫ રન બનાવીને ઇંગ્લેન્ડનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું





