Dr. Karan Barot AAP News:આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા Dr. Karan Barotએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા બંધારણીય હકો પર તરાપ મારવામાં આવી રહી છે. આજના સમયમાં ભાજપના રાજમાં જનતા માટે અવાજ ઉપાડવો એક ગુનો બની ગયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને લોકપ્રિય આદિવાસી નેતા ચૈતર વસાવાએ આદિવાસી સમાજ સહિત ગુજરાતના યુવાનો અને ગુજરાતના તમામ લોકો માટે અવાજ ઉઠાવ્યો એ માટે તેઓ ભાજપની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા. માટે ભાજપ દ્વારા ચૈતર વસાવાને બે વિકલ્પ આપવામાં આવ્યા, ભાજપમાં જોડાઓ અથવા જેલમાં જાઓ. આવા સમયમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજ સહિત સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ સાંભળ્યો કે આજે કઈ રીતે આદિવાસી સમાજ, ગુજરાતના લોકો અને ખાસ કરીને સમાજના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના કોઈપણ દબાણમાં આવ્યા વગર તમામ લોકો માટે અવાજ ઉઠાવ્યો.
અગાઉ પણ ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા હતા અને ફરીથી તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.હું ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ ભાજપના નેતાઓની જેમ પિંજરાના પોપટ નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ જમીનથી જોડાયેલા નેતાઓ છે. ભાજપ દ્વારા ક્યાંય પણ ભ્રષ્ટાચાર કરવામાં આવશે તો તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓ કરશે. ભાજપના નેતાઓ કરોડોના ભ્રષ્ટાચાર કરે તો શું આમ આદમી પાર્ટીના નેતાઓ તેના વિરુદ્ધ અવાજ પણ ન ઉઠાવી શકે? આમ આદમી પાર્ટીના નેતાઓ અવાજ ઉઠાવે છે તો તેમના વિરુદ્ધ ખોટા કેસ કરીને તેમને જેલમાં મોકલવામાં આવે છે, ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે? અમે ભાજપના નેતાઓને કહીશું કે અમને ન્યાયતંત્ર પર ભરોસો છે. અમને પૂરો વિશ્વાસ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે અને ડબલ જોરથી પોતાનો અવાજ ઉઠાવશે.