National: કેન્દ્ર સરકારએ દિવાળી તહેવાર પહેલાં જ દેશના રેલવે કર્મચારીઓને ખુશખબર આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મંગળવારે (24 સપ્ટેમ્બર) યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 10.91 લાખથી વધુ રેલવે કર્મચારીઓને 78 દિવસના વેતન બરાબર બોનસ આપવાનો નિર્ણય લીધો છે. આ માટે સરકાર કુલ રૂ. 1865.68 કરોડ ફાળવશે. મહત્વનું એ છે કે આ બોનસની ચુકવણી કર્મચારીઓને તહેવારની સીઝન શરૂ થાય તે પહેલાં જ કરવામાં આવશે, જેથી તેઓને વધારાનો આર્થિક રાહતનો લાભ મળી શકે.

કયા કર્મચારીઓને મળશે લાભ?

આ બોનસ મુખ્યત્વે નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને આપવામાં આવશે. તેમાં ટ્રેક મેન્ટેનર, લોકો પાયલટ, ટ્રેક મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, ટેક્નિશિયન, હેલ્પર, પોઈન્ટસમેન તેમજ રેલવે મંત્રાલયમાં કાર્યરત કર્મચારીઓનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા મુજબ આ બોનસ રેલવેની કામગીરી, ઉત્પાદનક્ષમતા અને સર્વિસમાં કર્મચારીઓના યોગદાનને માન્યતા આપવા માટે આપવામાં આવે છે.

ગત વર્ષે આશરે 11 લાખ કર્મચારીઓને બોનસ આપવામાં આવ્યો હતો, જેનાથી તેમનું મનોબળ વધ્યું હતું. આ વર્ષે પણ સમાન આશરે 11 લાખ કર્મચારીઓને બોનસથી ફાયદો થવાની અપેક્ષા છે.

બોનસથી વધશે સ્થાનિક વપરાશ

તહેવારોની સીઝનમાં બોનસ મળવાથી ઘરેલુ ખર્ચમાં વધારો થશે. મિડિયા રિપોર્ટ્સ અનુસાર, બોનસની આ ચુકવણી લોકોમાં ખરીદી માટે પ્રોત્સાહન આપશે, જેનાથી બજારમાં માંગ વધશે. એક તરફ જીએસટીમાં મળેલા રાહતનો ફાયદો અને બીજી તરફ રેલવે કર્મચારીઓના બોનસના કારણે સ્થાનિક સ્તરે વપરાશમાં તેજી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે પણ આ પગલું મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

બિહારમાં રેલવેનો મોટો પ્રોજેક્ટ મંજૂર

કેબિનેટે આજે અન્ય મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે. બિહારના બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા માર્ગે રેલવેના ડબલ લેન પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પર અંદાજે રૂ. 2192 કરોડ ખર્ચ થશે. હાલ આ માર્ગ સિંગલ લાઈન હોવાથી તેની ક્ષમતા મર્યાદિત છે. ડબલ લેન થયા બાદ તેની ક્ષમતા ઘણી વધી જશે.

રેલવે મંત્રાલય અનુસાર, આ પ્રોજેક્ટની લંબાઈ 104 કિલોમીટર રહેશે અને તે બિહારના ચાર જિલ્લાઓને આવરી લેશે. પરિણામે રાજગીર, નાલંદા અને પાવાપુરી જેવા ધાર્મિક તથા શૈક્ષણિક મહત્વ ધરાવતા શહેરોમાં રેલવે સેવામાં સુધારો થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ માત્ર ક્ષમતા વધારશે નહીં, પરંતુ બિહારના વિકાસ માટે નવી તકો પણ લાવશે.

કર્મચારીઓની લાંબા સમયથી ચાલતી માંગ

રેલવે કર્મચારી સંગઠનો લાંબા સમયથી બોનસની રકમ વધારવાની માંગ કરી રહ્યા હતા. ભારતીય રેલવે કર્મચારી ફેડરેશન (IREF)એ તાજેતરમાં જ સરકારને રજૂઆત કરી હતી કે બોનસની ગણતરી માટે હજી પણ છઠ્ઠા પગાર પંચ મુજબનો લઘુત્તમ પગાર રૂ. 7,000 જ આધાર બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે સાતમા પગાર પંચ મુજબ લઘુત્તમ પગાર રૂ. 18,000 છે. આ તફાવતને ‘અત્યંત અન્યાયી’ ગણાવી IREFએ કેન્દ્ર સરકારને માસિક મર્યાદા વધારવાની અપીલ કરી હતી.

તે જ રીતે, ઓલ ઈન્ડિયા રેલવે કર્મચારી ફેડરેશન (AIRF)એ પણ અનેક વખત બોનસની ગણતરીમાં માસિક મર્યાદા રૂ. 7,000 દૂર કરી વર્તમાન પગાર માળખા મુજબ સુધારો કરવાની માંગણી કરી છે. સંગઠનોની દલીલ છે કે કર્મચારીઓની મહેનત અને યોગદાન પ્રમાણે તેમને વધુ ન્યાયસંગત બોનસ મળવો જોઈએ.

સરકારનો દ્રષ્ટિકોણ

સરકારનું માનવું છે કે રેલવે ભારતની અર્થવ્યવસ્થા માટે જીવદોરી સમાન છે અને તેના કર્મચારીઓની મહેનતના કારણે જ દેશના કરોડો મુસાફરોને રોજબરોજ સેવા મળી શકે છે. કેબિનેટનો આ નિર્ણય કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરશે અને રેલવેની કામગીરી વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો