કેન્દ્ર સરકારની એકમાત્ર ટેલિકોમ કંપની BSNL દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. એકતરફ ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા રીચાર્જ મોંઘાદાટ કરી દેવાયા છે, ત્યાં હવે BSNL દ્વારા ખૂબ સસ્તો પ્લાન 70 દિવસો માટે આપવાનો નિર્ણય કરી લેવાયો છે.

BSNL તેના સસ્તા રિચાર્જ પ્લાન માટે જાણીતી કંપની બની ગઈ છે. ખાનગી કંપનીઓના મોંઘા રિચાર્જ પ્લાનથી ત્રસ્ત થયેલા ગ્રાહકો BSNLની સેવાઓ તરફ વળી રહ્યા છે. તેવામાં BSNL ફરી એક જોરદાર સ્કીમ લઈ આવ્યુ છે. જેમાં 3 રૂપિયાથી ઓછા ખર્ચે 70 દિવસની લાંબી વેલિડિટી સહિતના ફાયદા થઈ રહ્યા છે.

BSNL દ્વારા જાહેર કરાયેલી નવી સ્કીમ મુજબ હવે 197 રૂપિયાના પ્લાનમાં 70 દિવસની વેલિડિટી મળશે. એટલે કે આ પ્લાનમાં યુઝર્સને માત્ર 197 રૂપિયામાં બે મહિનાથી વધુ વેલિડિટીનો લાભ મળી રહ્યો છે. આ સાથે, કંપની કોલિંગ, ડેટા અને એસએમએસના ફાયદા પણ આપી રહી છે. આ પ્લાન લીધાના પહેલા 18 દિવસ સુધી, વપરાશકર્તાઓ દરરોજ 100 SMS મોકલી શકે છે અને દેશના કોઈપણ નંબર પર અમર્યાદિત કૉલિંગનો લાભ લઈ શકે છે. ડેટાની વાત કરીએ તો, કંપની પહેલા 18 દિવસ માટે દરરોજ 2GB ડેટા આપી રહી છે.

આ પ્લાન એવા લોકો માટે ઉપયોગી બનશે, જેઓ BSNL કનેક્શનનો ઉપયોગ સેકન્ડરી સિમ તરીકે કરે છે અથવા જેમને પોતાનો નંબર સક્રિય રાખવા માટે લાંબી વેલિડિટીની જરૂર હોય છે. આ પ્લાન 3 રૂપિયાથી ઓછા દૈનિક ખર્ચે 70 દિવસની વેલિડિટી ઓફર કરે છે.