Ajmer: ઉત્તર પ્રદેશના કાનપુર બાદ રાજસ્થાનના અજમેરમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાના ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. સોમવારે રાત્રે, અજમેરના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર સરધના અને બાંગર ગ્રામ રેલ્વે સ્ટેશનની વચ્ચે બે સ્થળોએ રેલ્વે ટ્રેક પર લગભગ એક ક્વિન્ટલ વજનનો સિમેન્ટ બ્લોક મૂકવામાં આવ્યો હતો, જેથી ટ્રેન પાટા પરથી ઉતરી શકે. જોકે મોટી દુર્ઘટના ટળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેન રેલવે ટ્રેક પર રાખવામાં આવેલા સિમેન્ટ બ્લોકને તોડીને આગળ વધી હતી. રાહતની વાત એ છે કે ટ્રેન ક્રેશ નથી થઈ. ટ્રેન ફૂલેરાથી અમદાવાદ જઈ રહી હતી, ત્યારે એન્જીન અથડાતા બ્લોકનો અવાજ આવતા ટ્રેન ચાલકે ટ્રેન રોકી હતી, ત્યારબાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન (DFCC)ના કર્મચારીઓ રવિ બુંદેલા અને વિશ્વજીત દાસે આ મામલે પોલીસમાં FIR નોંધાવી છે. જે બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. રેલવે કર્મચારીઓએ એફઆઈઆરમાં જણાવ્યું છે કે 9 સપ્ટેમ્બરે રાત્રે 10:36 કલાકે માહિતી મળી હતી કે કોઈએ રેલવે ટ્રેક પર સિમેન્ટ બ્લોક મૂક્યો છે. રેલ્વે સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને જોયું કે બ્લોક તૂટીને રેલ્વે લાઇનથી દૂર પડી ગયો હતો.
ઘટના સ્થળથી એક કિલોમીટર આગળ બાજુ પર બીજો બ્લોક મૂકવામાં આવ્યો હતો. આ બે અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવેલા બ્લોકની તપાસ કરવામાં આવી રહી છે. આ પછી DFCC અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ મળીને સરધનાથી બાંગર ગ્રામ સ્ટેશન વચ્ચે પેટ્રોલિંગ કર્યું હતું.
આ દરમિયાન સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી, વધુ ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તપાસ બાદ જ આ મામલે કંઈ પણ કહી શકાશે.