Tesla: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક વચ્ચેની બેઠક બાદ હવે કંપની ભારત આવશે તે લગભગ કન્ફર્મ થઈ ગયું છે. કંપનીએ સૌથી પહેલા ભારતમાં હાયરિંગ પ્રક્રિયા શરૂ કરી હતી અને હવે તેણે ભારતમાં પોતાનો શોરૂમ ખોલવા માટે જગ્યા પણ પસંદ કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા અઠવાડિયે અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે એવી આશા હતી કે ટેસ્લાના ભારતમાં આગમનનો રસ્તો સાફ થઈ જશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની મીટિંગ બાદ એ વાત સંપૂર્ણ રીતે કન્ફર્મ થઈ ગઈ કે ટેસ્લા ભારત આવી રહી છે. હવે ટેસ્લાએ સૌથી પહેલા ભારતમાં હાયરિંગ પ્રક્રિયા શરૂ કરી અને હવે તેણે પોતાનો શોરૂમ ખોલવાની જગ્યા પણ નક્કી કરી લીધી છે.
ભારતમાં શોરૂમ ખોલવાની બાબતમાં ટેસ્લા અમેરિકન સ્માર્ટફોન કંપની એપલના માર્ગ પર ચાલી શકે છે. ETના એક સમાચાર અનુસાર, ટેસ્લા મુંબઈ અને દિલ્હીમાં તેના શોરૂમ ખોલી શકે છે. આ સાથે ભારતના લોકો ટેસ્લા કારને દેશના રસ્તાઓ પર દોડતી જોઈ શકશે.
ટેસ્લાએ નોકરીની જાહેરાત બહાર પાડી છે
ટેસ્લા શોરૂમ ખોલવાના સમાચાર પહેલા, LinkedIn પર એક પોસ્ટએ બધાનું ધ્યાન ખેંચ્યું. ટેસ્લાએ ભારતમાં 13 જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે. આમાં બેક-એન્ડ સપોર્ટથી લઈને સ્ટોર મેનેજર અને ફ્રન્ટ ઓફિસ સુધીની નોકરીઓનો સમાવેશ થાય છે. ટેસ્લા વિશ્વની ટોચની ઇલેક્ટ્રિક કાર કંપનીઓમાંની એક છે. તે 2022થી જ ભારતીય કાર બજારમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર બજાર છે.
એરોસિટીમાં ટેસ્લાનો શોરૂમ ખુલી શકે છે
ટેસ્લા દિલ્હીમાં એરોસિટીની અંદર પોતાનો પહેલો શોરૂમ ખોલી શકે છે. કંપનીના આ નિર્ણય અંગે માહિતી ધરાવતા સૂત્રોનું કહેવું છે કે કંપનીએ એરોસિટી વિસ્તારમાં લીઝ પર જગ્યા પસંદ કરી છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક આવેલી એરોસિટીમાં મોટી લક્ઝરી હોટેલ્સ છે.
જ્યારે મુંબઈમાં કંપની બાંદ્રા કુર્લા એક્સપ્રેસમાં પોતાનો શોરૂમ ખોલી શકે છે. કંપનીએ આ માટે અહીં જગ્યા શોધી છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ મુંબઈ એરપોર્ટ નજીક છે. આ શહેરનું સૌથી મોટું બિઝનેસ અને રિટેલ હબ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીના બંને શોરૂમ ઓછામાં ઓછા 5,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા હશે.
ભારતે તેની EV નીતિમાં ફેરફાર કર્યા છે
એલોન મસ્ક ભારતની આયાત નીતિના ઘોર ટીકાકાર રહ્યા છે. તેમણે ઉચ્ચ આયાત જકાત અંગે ખુલ્લા મંચ પર વાત કરી છે. આને ધ્યાનમાં રાખીને, ભારતે ગયા વર્ષે તેની EV નીતિમાં ફેરફાર કર્યા હતા. હવે ભારતમાં વિદેશી ઈવી કંપનીઓ માત્ર 15 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ભરીને દર વર્ષે 8000 યુનિટ ઈમ્પોર્ટ કરી શકશે. જો કે કંપનીએ 3 વર્ષની અંદર પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવું પડશે અને ઓછામાં ઓછા 500 મિલિયન ડોલરનું રોકાણ કરવું પડશે. અગાઉ ભારતમાં ઈવીની આયાત પર 70 થી 110 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવતી હતી.