Surat: ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવન ઠપ થઈ ગયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અનેક રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતાં વાહન વ્યવહાર પર પણ ગંભીર અસર થઈ રહી છે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
છોટાઉદેપુરમાં એસ.ટી અને ખાનગી બસો ફસાઈ
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા-હાંડોદ માર્ગ પર ભારે વરસાદ વચ્ચે બે બસો — એક એસ.ટી. અને એક ખાનગી બસ — પાણીમાં ફસાઈ ગઈ હતી. મુસાફરોમાં ભયનું માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને દોરડાની મદદથી મુસાફરોને માંડ-માંડ બહાર કાઢ્યા હતા. સ્થાનિકોની આ હાજરી બુદ્ધિથી એક મોટો દુર્ઘટના ટળ્યો હતો.
બાડેલી અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર
ભારે વરસાદના કારણે બાડેલી વિસ્તારમાં નદી રસ્તા પર વહેતી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. રઝાનગર અને દીવાન ફળિયામાં પણ પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ ઊભી થઈ. ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો પોતાના મકાન છોડીને સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં તો ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે.
સુરતમાં રસ્તા-ગલીઓ પાણીમાં ગરકાવ
વરસાદના તોફાનથી સુરત શહેર પણ બચી શક્યું નથી. સતત વરસી રહેલા વરસાદે મોરા ભાગલ સહિતના વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. શહેરના અનેક BRTS બસ સ્ટોપમાં પણ પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક સ્થળોએ કમર સુધી પાણી ભરાઈ જતા વાહનો રસ્તા પર જ અટવાઈ ગયા હતા. પરિણામે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. બીજી તરફ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પાકની ચિંતા સતાવી રહી છે.
અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઈવે પણ પાણીમાં
ભારે વરસાદને કારણે અંકલેશ્વર અને સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કડકીયા કોલેજ નજીક રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. જીવના જોખમે લોકોને હાઈવે પરથી પસાર થવું પડ્યું હતું. આ પરિસ્થિતિને કારણે વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરામાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ
મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં પણ ભારે વરસાદથી પરિસ્થિતિ ગંભીર બની છે. ડભોઈમાં દેવ અને ઢાઢર નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દેવ ડેમમાંથી 12,700 ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે લોકોમાં ચિંતા ફેલાઈ છે.
તામસી નદી બે કાંઠે વહેતી
વાઘોડિયા તાલુકાના ચણોઢીયા ગામ પાસે તામસી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીનું પાણી ગામની આસપાસ ફરી વળતા ચણોઢીયાથી ડભોઈ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે અનેક ગામો સંપર્કવિહોણા બની ગયા છે. સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર તરફથી રાહત કામગીરી હાથ ધરાઈ રહી છે.
આ પણ વાંચો
- Nepal: પ્રતિબંધ છતાં નેપાળી લોકો ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે?
- Trump: એવું લાગે છે કે આપણે ભારત-રશિયાને ચીન સામે હારી ગયા છીએ’, ટેરિફ વોર વચ્ચે SCO સમિટ પછી ટ્રમ્પ નરમ પડ્યા
- Arvind Kejriwal રાહત શિબિર પહોંચ્યા, લોકોએ કહ્યું – તમારા સમયમાં બધી સુવિધાઓ ઉપલબ્ધ હતી, હવે ઉપલબ્ધ નથી
- Thailand: અનુભવી રાજકારણી અનુતિન માટે આગામી વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો છે, સંસદના નીચલા ગૃહમાં બહુમતી
- Junagadh: આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ હોસ્ટેલ ફરી વિવાદમાં, નવા વીડિયોએ ઉભા કર્યા સવાલો