Surat: સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા સાથે રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડની ચોરી થતા શહેરમાં સનસનાટી મચી ગઈ છે. સૂત્રો મુજબ, આ ચોરી રવિવારે (17 ઑગસ્ટ) વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ થઈ હતી. 5 શખ્સો બે રિક્ષામાં આવ્યા હતા, જેમાંથી એકમાં 3 અને બીજીમાં 2 તસ્કરો સાથે ગેસ કટર લાવ્યા હતા. ચોરી બાદ તેઓ સુરત રેલવે સ્ટેશન પરથી રિક્ષા છોડીને મુંબઈ કે રાજસ્થાન ભાગી ગયા હોવાની આશંકા છે.
શું છે મામલો?
કપુરવાડી બિલ્ડિંગના ચોથા માળે આવેલી ડાયમંડ કિંગ અને ડી.કે. એન્ડ સન્સ નામની બે હીરાની પેઢીઓ 48 વર્ષીય દેવેન્દ્રકુમાર ચૌધરી અને તેમના પરિવારજનો ચલાવે છે. 15મી ઑગસ્ટે બપોરે 3.30 વાગ્યા સુધી કામકાજ બાદ કર્મચારીઓને સાતમ-આઠમની રજા અપાઈ હતી, જેથી કારખાનું બંધ હતું. આ દરમિયાન તસ્કરો બિલ્ડિંગના મેઇન ગેટનું લોક તોડી અંદર ઘુસ્યા અને ગેસ કટર વડે તિજોરી તોડી નાખી હતી.
તિજોરીમાંથી ડાયમંડ કિંગ પેઢીના 5746.24 કેરેટ પોલિશ્ડ અને 87068.35 કેરેટ રફ હીરા તેમજ ડી.કે. એન્ડ સન્સ પેઢીના 3163.58 કેરેટ પોલિશ્ડ અને 16583.72 કેરેટ રફ હીરા મળી કુલ 32.48 કરોડના હીરા તથા 5 લાખ રોકડ ઉઠાવી લીધા હતા.
જાણભેદુની સંડોવણીની શંકા
તસ્કરોએ ઓળખ છુપાવવા સીસીટીવી તોડીને ડીવીઆર પણ લઈ ગયા હતા, જેના કારણે 50 હજાર રૂપિયાનું નુકસાન થયું છે. ઘટનાસ્થળે કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર ન હોવાથી સુરક્ષાની વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે. કપુરવાડીમાં અનેક હીરાના કારખાના હોવા છતાં ચોક્કસ આ કારખાનાને નિશાન બનાવવામાં આવતા જાણભેદુની સંડોવણી હોવાની શક્યતા છે.
300 કરોડનું ટર્નઓવર, છતાં સુરક્ષા ગાર્ડ નહીં!
માહિતી મુજબ, ચૌધરી પરિવારની આ પેઢીઓનું વાર્ષિક ટર્નઓવર 300 કરોડ જેટલું છે. છતાં રજાના દિવસોમાં એકેય ગાર્ડ તહેનાત ન હતો.
પોલીસની તપાસ
ફોરેન્સિક ટીમે સ્થળ પરથી તિજોરી પર બે-ત્રણ લોકોના ફિંગરપ્રિન્ટ, સિગારેટના ઠૂંઠા અને માવાની પડીકી મળી છે. આસપાસના સીસીટીવી ફુટેજમાં પણ બે થી ત્રણ અજાણ્યા શખ્સો રિક્ષામાં આવતા દેખાયા છે. હાલ સુરત સિટી પોલીસ તસ્કરોને પકડવા ચારે બાજુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો
- Mumbai: વરસાદ વચ્ચે મુંબઈમાં વધુ એક દુર્ઘટના, મોનોરેલ એલિવેટેડ ટ્રેક પર ફસાઈ, ક્રેનથી મુસાફરોને બચાવાશે
- આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025 ઉજવણી અન્વયે Gandhinagarમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાશે સહકારી અગ્રણીઓનો વર્કશોપ
- Rahul Gandhi: ભાજપ અને ચૂંટણી પંચ સાથે મળીને ચૂંટણી ચોરી કરી રહ્યા છે… રાહુલે ફરી મત ચોરીના મુદ્દા પર હુમલો કર્યો
- IMF એ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું, જો તે સંમત થાય તો સેન્ટ્રલ બેંક શાહબાઝ સરકારના હાથમાંથી નીકળી જશે
- Gujarat: અમરેલી, સુરત, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં આગામી બે દિવસ વરસાદની આગાહી