Surat: શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદે ઔદ્યોગિક બાંધકામ મુદ્દે હવે સીધો મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચાડી દેવામાં આવી છે. સુરત પાલિકા તેમજ જિલ્લા કલેક્ટરને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતા કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખી આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં “કોટેઝ ઈન્ડસ્ટ્રીઝ” અને લઘુ ઉદ્યોગોના નામે ગેરકાયદેસર ઔદ્યોગિક બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જે નિયમોની વિરુદ્ધ છે અને શહેરની મૂળભૂત સુવિધાઓ પર દબાણ વધારી રહી છે.

ધારાસભ્ય તુષાર ચૌધરીએ પત્રમાં જણાવ્યું કે, “બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો મંજુર પ્લાન વિરુદ્ધ સંપૂર્ણ માર્જિન અને પાર્કિંગ વિસ્તાર કબજે કરીને બાંધકામ કરે છે. મંજુરી મળતી હોય તે પ્લાન પ્રમાણે રહેણાંક ઉપયોગ માટે આપવામાં આવે છે, પણ તેનો ઉપયોગ કોમર્શિયલ અને ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે શરૂ કરવામાં આવે છે. બિલ્ડીંગનું ઉપયોગ પ્રમાણપત્ર (યુઝ સર્ટિફિકેટ) મેળવ્યા વગર બાંધકામ શરૂ કરવામાં આવે છે અને પાણી તથા ડ્રેનેજ જેવી સેવાઓના ગેરકાયદેસર જોડાણ કરીને તેનો ઉપયોગ શરૂ થાય છે.”

ફરિયાદમાં વધુમાં જણાવાયું કે, “આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પાલિકાના કેટલાક કર્મચારીઓ, અધિકારીઓ તેમજ રાજકીય સ્તરે પણ મળતિયાઓ થતી હોય તેવી શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. અનેક જગ્યાએ સ્થળ પર તોડફોડના નામે દેખાડું કરવામાં આવે છે, પણ વાસ્તવમાં કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. પરિણામે, શહેરના રહેવાસીઓને ટ્રાફિક, પાણી, ડ્રેનેજ સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.”

સુરત શહેરમાં રહેણાંક વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે પ્લાન મંજૂર કરવામાં આવતાં હોય છે, પરંતુ તેની સામે બિલ્ડરો દ્વારા મંજુર પ્લાનની વિરુદ્ધ કામગીરી કરીને નફો મેળવવાના પ્રયાસો ચાલી રહ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોને કારણે સ્થાનિકો વચ્ચે પણ અસંતોષ ફેલાયો છે અને તેઓએ તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે કે, “જ્યાં મંજુર પ્લાન વિરુદ્ધ બાંધકામ થયાં હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે. તેમજ જ્યાં બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ મેળવ્યા વગર ઉપયોગ શરૂ થયો હોય ત્યાં સ્થળને સીલ કરીને પ્રવૃત્તિ બંધ કરવામાં આવે. શહેરની યોજનાઓ અને નાગરિકોની સુવિધાઓ જાળવવા માટે કડક પગલાં લેવાં જરૂરી છે.”

ફરિયાદ બાદ શહેરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. રહેણાંક વિસ્તારોમાં વધતી સમસ્યાઓને લઈને નાગરિકો પણ તંત્ર તરફથી ઝડપી અને અસરકારક કાર્યવાહી માટે આશા રાખી રહ્યા છે. ખાસ કરીને પાણી અને ડ્રેનેજ જેવી નાગરિક સુવિધાઓ પર પડતા દબાણને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.

આ મુદ્દે પાલિકા તંત્રની કામગીરી અને તેની પારદર્શિતા અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. રાજકીય નેતાઓનું માનવું છે કે, “જો યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો શહેરમાં રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તાર વચ્ચેનો ભેદ નષ્ટ થઈ જશે અને નાગરિકોને તેની મોટી કિંમત ચૂકવવી પડશે.”

હવે મુખ્યમંત્રી તરફથી મળતી પ્રતિક્રિયા અને આગળ લેવાતા પગલાં પર સૌની નજર છે. શહેરના નાગરિકો તેમજ સામાજિક સંગઠનો આ મુદ્દે કડક કાર્યવાહી થાય તે માટે દબાણ વધારી રહ્યા છે જેથી રહેણાંક વિસ્તારોની શાંતિ અને મૂળભૂત સુવિધાઓ જળવાઈ રહે.

આ પણ વાંચો