Surat: સુરત શહેરમાં આ વર્ષે પણ દબદબાભેર ઉજવાયેલો ગણેશ મહોત્સવ હવે પૂર્ણતાના તબક્કે છે. શહેરભરમાં અઢળક ગણેશજીની સ્થાપના થતા વિવિધ વિસ્તારોમાં દૈનિક ઉજવણી, શોભાયાત્રાઓ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. હવે વિસર્જન દિવસ નજીક આવતા સુરત મહાનગરપાલિકા (SMC)એ ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા અને વિસર્જન યાત્રાઓમાં કોઈ અવરોધ ન ઉભો થાય તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. પાલિકાએ જાહેરાત કરી છે કે વિસર્જનના દિવસે સમગ્ર શહેરમાં સીટી બસ અને BRTS સેવા બંધ રહેશે.
ગણેશ વિસર્જન દિવસને લઈને સાવચેતી
સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર શહેરમાં ઊંચાઈ ધરાવતી તેમજ અન્ય ગણેશ પ્રતિમાઓનું વિસર્જન વિવિધ સ્થળોએ — કૃત્રિમ તળાવો અને કુદરતી ઓવારા ખાતે કરવામાં આવશે. આ પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં યાત્રાઓ નીકળશે, જેનાથી રસ્તાઓ પર ભારે ભીડ અને ટ્રાફિક જામ સર્જાવાની સંભાવના છે. તેવા સમયે બસ સેવાનો સંચાલન મુશ્કેલ બનશે અને મુસાફરોને પણ તકલીફ ઉભી થશે. તેથી પૂર્વ સાવચેતીરૂપે પાલિકાએ બસ સેવા સંપૂર્ણ રીતે બંધ રાખવાનું નક્કી કર્યું છે.
સુરતમાં જાહેર પરિવહનનું મહત્વ
સુરત મહાનગરપાલિકા દ્વારા હાલના સમયમાં શહેરીજનો માટે સીટી બસ તથા BRTS સેવા ચલાવવામાં આવે છે. ભારતના સૌથી લાંબા 108 કિમીના ડેડીકેટેડ BRTS કોરિડોર સાથે સુરત જાહેર પરિવહન વ્યવસ્થા માટે આગવું સ્થાન ધરાવે છે. દરરોજ આશરે 2 લાખથી વધુ મુસાફરો આ સેવાનો ઉપયોગ કરે છે. રાહત દરે અને ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડતી આ સેવા શહેરના નાગરિકો માટે દૈનિક જીવનનો મહત્વનો હિસ્સો બની ગઈ છે.
પરંતુ, આવનારા શનિવારે ગણેશ વિસર્જનના દિવસે બસ સેવાને સ્થગિત રાખવામાં આવી રહી છે. પાલિકાનું માનવું છે કે, શહેરના મુખ્ય માર્ગો અને વિસર્જન સ્થળોને કારણે બસ ઓપરેશન અવરોધાય તેવી પૂરી શક્યતા છે.
આ વિસ્તારોમાં સેવા રહેશે બંધ
સીટી લિંકના જણાવ્યા અનુસાર, પોલીસ જાહેરનામાને અનુરૂપ શહેરના અનેક મહત્વના વિસ્તારોમાં બસ સેવા બંધ રાખવામાં આવશે. જેમાં અઠવાગેટ, SVNIT, રાહુલરાજ મોલ, એસ.કે.નગર, જુની RTO ટી-પોઇન્ટ, અઠવા ઓવરબ્રીજ, સરદાર તાપી બ્રીજ, અડાજણ ગામ, સ્ટાર બજાર, પાલ આર.ટી.ઓ., ભાઠા ગામ, ONGC સર્કલ, ક્રિભકો ઓવરબ્રીજ, મોરા સર્કલ, L&T, હજીરા બટ ઓવારા, ગજેરા રત્નમાલા સર્કલ, ડભોલી ચાર રસ્તા, ડભોલી બ્રીજ, સુભાષ બાગ સર્કલ, દાંડી રોડ જહાંગીરાબાદ, નહેર ચાર રસ્તા, દોડી ફાટક ચાર રસ્તા, ભેસાણ ચાર રસ્તા, કબુતર સર્કલ, ભાઠેના સર્કલ, ખરવરનગર રોકડીયા સર્કલ, ઉધના-મગદલ્લા રોડ, સોસીયો સર્કલ, ગાંધી કુટીર, ભટાર ઓવરબ્રીજ, બ્રેડ લાઇનર સર્કલ, અણુવ્રત દ્વાર બ્રીજ, પનાસ નહેર, વેસુ કેનાલ રોડ, રાજહંસ ચાર રસ્તા, આભવા ચાર રસ્તા, હજીરા હાઈવે રોડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ તમામ BRTS અને સીટીલિંક રૂટ્સ વિસર્જનના દિવસે બંધ રહેશે. સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે, મુસાફરોને અગવડ ન પડે તે માટે સમયસર માહિતી આપવામાં આવી રહી છે અને નાગરિકોએ આયોજન મુજબ પોતાના દૈનિક કાર્યો ગોઠવવા જોઈએ.
મુસાફરોને અપીલ
સુરત મહાનગરપાલિકા તથા સીટી લિંક દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, વિસર્જનના દિવસે બસ સેવા ઉપલબ્ધ નહીં હોય, તેથી અન્ય વિકલ્પ પરિવહન સુવિધાનો ઉપયોગ કરવો. પાલિકા સાથે પોલીસ તંત્ર દ્વારા પણ ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે વિસર્જન યાત્રાઓ દરમિયાન શાંતિ જાળવી સહકાર આપવો જેથી આખો કાર્યક્રમ સુચારુ રીતે પૂર્ણ થાય.
આ પણ વાંચો
- PM Modi અને પ્રિયંકા ગાંધી હસતા અને વાતો કરતા જોવા મળ્યા, જાણો આ મુલાકાત ક્યાં થઈ
- Tamil Nadu માં SIR ડેટા જાહેર, 9.7 મિલિયન મતદારોને દૂર કરવામાં આવ્યા; મતદારોની કુલ સંખ્યા જાણો
- બાંગ્લાદેશમાં એક હિન્દુ યુવાનની હત્યા પર Priyanka Gandhi નું નિવેદન, “એક બર્બર હત્યાના સમાચાર…”
- British Foreign Ministry : યુકેએ બ્રિટિશ વિદેશ કાર્યાલય પર મોટા સાયબર હુમલા માટે ચીની હેકર્સ પર આરોપ લગાવ્યો
- India-China સંબંધો વધુ મજબૂત બનશે, બેઇજિંગે દુર્લભ પૃથ્વી ધાતુઓની નિકાસ માટે મંજૂરીની જાહેરાત કરી





