Surat: સુરત શહેરના હજીરા-મોરા ટેકરા વિસ્તારની તપોવન કોલોનીમાં એક દુ:ખદ ઘટના બની, જ્યાં ત્રણ વર્ષનો એક છોકરો ખુલ્લી ભૂગર્ભ પાણીની ટાંકીમાં ડૂબી ગયો. માહિતી મુજબ, શ્રી રામ નિષાદનો દીકરો દિવ્યેશ, રમતા રમતા ઘરેથી નીકળ્યો અને લાંબા સમય સુધી પાછો ન ફર્યો, જેના કારણે પરિવારે તેને શોધવાનું શરૂ કર્યું. અંતે, ટાંકીનું ઢાંકણ ખુલ્લું જોતા પરીવારે ત્યાં તપાસ કરી અને બાળકનો મૃતદેહ તેમના ઘરની નજીક ટાંકીમાંથી મળી આવ્યો. પડોશીઓની મદદથી, તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાંના ડૉક્ટરો તેને બચાવી શક્યા નહીં અને તેને મૃત જાહેર કર્યો હતો.
પરિવાર ભાંગી પડ્યો.
આ ઘટનાથી નિષાદ પરિવાર ખૂબ જ દુઃખી થઈ ગયો. ઘટનાની માહિતી મળતાં, ઇચ્છાપુર પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી, અકસ્માત મૃત્યુનો ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી. પોલીસ હાલમાં ટાંકી કોની માલિકીની હતી અને કોની બેદરકારીને કારણે ઢાંકણ ખુલ્લું થયું તે અંગે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું છે કે જો તપાસમાં કોઈ બેદરકારી જણાશે, તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
માતાપિતા ખાસ તકેદારી રાખે
આ દુ:ખદ ઘટનાએ ફરી એકવાર બધા માતાપિતા અને રહેવાસીઓ માટે સચેત કર્યા છે કે, ઘરની આસપાસ પાણીની ટાંકીઓ, ખાડાઓ અથવા બોરવેલના ઢાંકણા હંમેશા સુરક્ષિત રીતે બંધ રાખવા. અને જો નાના બાળકો જ્યારે બહાર રમતા હોય ત્યારે તેમના પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ મહત્વનું છે.





