સુરત: હજીરા વિસ્તારમાં 24 વર્ષના યુવકની નિર્દય હત્યાની ઘટના સામે આવી છે. અજાણ્યા હુમલાખોરોએ યુવકના હાથ-પગ બાંધીને કોઈ ભારે વસ્તુથી હુમલો કરી તેની હત્યા કરી નાખી અને મૃતદેહને ઝાડીઓમાં ફેંકીને ફરાર થઈ ગયા. મૃતકની ઓળખ રણજીત પાસવાન (24) તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડનો રહેવાસી હતો અને હજીરા સ્થિત અડાણી ઈન્ડસ્ટ્રીઝમાં હાઉસકીપિંગનું કામ કરતો હતો. 

શનિવારે સવારે સ્થાનિક લોકોએ ઝાડીઓમાં મૃતદેહ જોયો અને પોલીસને જાણ કરી. પોલીસે તપાસ દરમિયાન જાણ્યું કે યુવકના હાથ-પગ બાંધેલા હતા અને તેના શરીર પર કોઈ ભારે વસ્તુથી હુમલાના નિશાન હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આસપાસના CCTV ફૂટેજની તપાસ અને રણજીતના સંપર્કમાં રહેલા લોકોની પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં હત્યારાઓની ધરપકડ કરી લેવામાં આવશે.