World Cup: આઈસીસીએ સોમવારે જાહેરાત કરી હતી કે આગામી આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં વિજેતા ટીમને અત્યાર સુધીની સૌથી મોટી ઈનામી રકમ આપવામાં આવશે. આ વખતે ચેમ્પિયન ટીમને ૪.૪૮ મિલિયન યુએસ ડોલર (લગભગ ૩૯.૫૫ કરોડ રૂપિયા) મળશે, જે પાછલા આવૃત્તિની ઈનામી રકમ (૧.૩૨ મિલિયન ડોલર એટલે કે ૧૧.૬૫ કરોડ રૂપિયા) કરતા લગભગ ચાર ગણી વધારે છે.
૨૦૨૩ના પુરુષ વર્લ્ડ કપ કરતાં વધુ
ભારત અને શ્રીલંકાના યજમાનીમાં ૩૦ સપ્ટેમ્બરથી ૨ નવેમ્બર દરમિયાન યોજાનારી આ ૧૩મી આવૃત્તિ કુલ આઠ ટીમો વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટની કુલ ઈનામી રકમ ૧૩.૮૮ મિલિયન યુએસ ડોલર (લગભગ ૧૨૨.૫ કરોડ રૂપિયા) હશે, જે ૨૦૨૨માં ન્યુઝીલેન્ડમાં યોજાયેલા છેલ્લા વર્લ્ડ કપ (૩.૫ મિલિયન ડોલર એટલે કે ૩૧ કરોડ રૂપિયા) કરતાં લગભગ ત્રણ ગણી વધારે છે. આ ઈનામી રકમ ૨૦૨૩ના મેન્સ વર્લ્ડ કપ (૧૦ મિલિયન ડોલર એટલે કે ૮૮.૨૬ કરોડ રૂપિયા) કરતાં વધુ છે.
વિજેતા પુરુષ ટીમ સાથે સરખામણી
૨૦૨૩ના મેન્સ વનડે વર્લ્ડ કપની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ૩૩.૩૧ કરોડ રૂપિયા મળ્યા. તે જ સમયે, ઉપવિજેતા ભારતને ૧૬.૬૫ કરોડ રૂપિયા મળ્યા. મહિલા વનડે વર્લ્ડ કપની વિજેતા રકમ આનાથી ઘણી વધારે છે. ICC અનુસાર, આ વધારાનો હેતુ મહિલા ક્રિકેટની લોકપ્રિયતા વધારવાનો અને તેને પુરુષો જેટલું જ સન્માન આપવાનો છે.
ઈનામની સંપૂર્ણ વિગતો:
* વિજેતા ટીમ: $4.48 મિલિયન (રૂ. 39.55 કરોડ)
* રનર-અપ ટીમ: $2.24 મિલિયન (રૂ. 19.77 કરોડ)
* સેમિફાઇનલમાં હારનારી ટીમો: $1.12 મિલિયન (રૂ. 9.89 કરોડ) દરેક.
* ગ્રુપ સ્ટેજ જીત: $34,314 (રૂ. 30.29 લાખ) પ્રતિ મેચ. * પાંચમા અને છઠ્ઠા સ્થાનની ટીમો: $7 લાખ (રૂ. 62 લાખ) દરેક.
* 7મા અને 8મા સ્થાનની ટીમો: $2.8 લાખ (રૂ. 24.71 લાખ) દરેક.
* બધી ભાગ લેતી ટીમો: $2.5 લાખ (રૂ. 22 લાખ) દરેક.
જય શાહે શું કહ્યું?
આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકાના પાંચ સ્થળો, ગુવાહાટી, ઇન્દોર, નવી મુંબઈ, વિશાખાપટ્ટનમ અને કોલંબો ખાતે રમાશે. ICC પ્રમુખ જય શાહે તેને મહિલા ક્રિકેટ તરફ એક ઐતિહાસિક પગલું ગણાવ્યું અને કહ્યું, ‘આ જાહેરાત મહિલા ક્રિકેટની સફરમાં એક સીમાચિહ્નરૂપ છે. ઈનામની રકમમાં ચાર ગણો વધારો રમતના લાંબા ગાળાના વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારો સંદેશ સ્પષ્ટ છે કે મહિલા ક્રિકેટરોએ વિશ્વાસ રાખવો જોઈએ કે જ્યારે તેઓ આ રમતને વ્યાવસાયિક રીતે અપનાવશે ત્યારે તેમને પુરુષો જેટલું જ સન્માન અને તકો મળશે. ICC એ કહ્યું કે આ ફેરફાર મહિલા ખેલાડીઓ અને ચાહકોની આવનારી પેઢીને પ્રેરણા આપશે અને વૈશ્વિક સ્તરે મહિલા ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જશે.