T20 World cup 2024 ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે T20 વર્લ્ડ કપ 2024ની પહેલી જ મેચમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે વિશેષ યાદીમાં ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દીધો છે.

T20 વર્લ્ડ કપ 2024 ની 8મી મેચ ભારત અને આયર્લેન્ડની ટીમો વચ્ચે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરી રહી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ ટૂર્નામેન્ટની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી છે. આયર્લેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં તેણે 1 ઓવર ફેંકતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. 

જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચી દીધો

જસપ્રીત બુમરાહે T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત મેડન ઓવરથી કરી છે. તેણે આ મેચમાં મેડન તરીકે ઇનિંગ્સની છઠ્ઠી ઓવર ફેંકી હતી. T20I ક્રિકેટમાં જસપ્રીત બુમરાહની આ 11મી મેડન ઓવર છે. આ સાથે તે ટેસ્ટ રમતા દેશના બોલરોમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર બોલર બની ગયો છે. તેણે ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દીધો છે. ભુવનેશ્વર કુમારે તેની T20I કારકિર્દીમાં 10 મેડન ઓવર ફેંકી હતી. પરંતુ જસપ્રીત બુમરાહ હવે તેનાથી આગળ નીકળી ગયો છે. 

અર્શદીપ સિંહની ધમાકેદાર શરૂઆત

ગત T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર અર્શદીપ સિંહે આ વખતે પણ સારી શરૂઆત કરી છે. તેણે પાવરપ્લેમાં 2 વિકેટ ઝડપી હતી. આ સાથે, તે T20I ક્રિકેટમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો છે. તેણે જસપ્રીત બુમરાહને પાછળ છોડી દીધો છે. T20I પાવરપ્લેમાં જસપ્રીત બુમરાહના નામે 25 વિકેટ છે. આ સાથે જ અર્શદીપ સિંહે પાવરપ્લેમાં 26 વિકેટ લીધી છે. આ યાદીમાં ભુવનેશ્વર કુમાર 47 વિકેટ સાથે સૌથી આગળ છે. 

T20Iમાં ભારત માટે પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ

47 વિકેટ – ભુવનેશ્વર કુમાર
26 વિકેટ – અર્શદીપ સિંહ
25 વિકેટ – જસપ્રિત બુમરાહ