ભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર બાદ તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને હંમેશ માટે અલવિદા કહી દેશે.

સુનિલ છેત્રીએ ગુરુવારે (મે 16) જાહેરાત કરી કે તે 6 જૂને કુવૈત સામે FIFA વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે. 39 વર્ષના છેત્રીએ 2005માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. છેત્રીએ ભારત માટે તેની 150મી મેચ માર્ચમાં અફઘાનિસ્તાન સામે ગુવાહાટીમાં રમી હતી. તેણે તે મેચમાં એક ગોલ પણ કર્યો હતો, જોકે ભારત તે મેચ 1-2થી હારી ગયું હતું.

છેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરેલા એક વીડિયો સંદેશ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. સ્ટ્રાઈકર સુનીલ છેત્રીએ ભારતને ઘણી મહત્વપૂર્ણ મેચોમાં જીત અપાવી છે. છેત્રીએ ભારત માટે અત્યાર સુધીમાં 150 મેચ રમી છે અને તેની 20 વર્ષની કારકિર્દી દરમિયાન 94 ગોલ કર્યા છે. સુનિલે લગભગ 9 મિનિટ 51 સેકન્ડના વીડિયોમાં નિવૃત્તિ લેવાના નિર્ણય વિશે જણાવ્યું હતું.

નિવૃત્તિના વીડિયોમાં ભાવુક થઈ ગયા સુનીલ છેત્રી

છેત્રી તેના નિવૃત્તિના વીડિયોમાં ભાવુક દેખાતા હતા, જે દરમિયાન તેમને તેમની ડેબ્યૂ મેચ યાદ આવી હતી. આ સમય દરમિયાન તેમણે સુખી સરને યાદ કર્યા, જેઓ તેમના પ્રથમ રાષ્ટ્રીય ટીમના કોચ હતા.

છેત્રીએ કહ્યું કે તે લાગણી વ્યક્ત કરી શકતો નથી, તેમણે આ મેચમાં જ પહેલો ગોલ કર્યો હતો. જ્યારે તેમણે રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરી હતી ત્યારે એક અલગ જ અહેસાસ થતો હતો. તે પોતાના ડેબ્યુનો દિવસ ક્યારેય ભૂલી શકે તેમ નથી

છેત્રીએ આ વીડિયો સંદેશમાં કહ્યું, ‘છેલ્લા 19 વર્ષોમાં જે વસ્તુઓ મને યાદ છે… તે છે ફરજ અને અપાર ખુશીનું સંતુલન. મેં અંગત રીતે ક્યારેય વિચાર્યું નથી કે આ તે રમત છે જે હું દેશ માટે રમું છું, જ્યારે પણ હું રાષ્ટ્રીય ટીમ સાથે તાલીમ લઉં છું ત્યારે મને તેનો આનંદ મળે છે.

 કુવૈત સામેની મેચ માટે તેમણે જણાવ્યું કે દબાણ રહેશે, અમને આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કરવા માટે ત્રણ પોઈન્ટની જરૂર છે, આ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્ટ્રાઈકર છેત્રીએ એ પણ સંકેત આપ્યો કે હવે ભારતીય ટીમની ‘નંબર નવ’ જર્સીને આગામી પેઢીને સોંપવાની તક આવી છે.

સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે ચોથા સ્થાને છે. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરવાના મામલે પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રથમ સ્થાને છે. રોનાલ્ડોએ અત્યાર સુધી 206 મેચ રમી છે અને કુલ 128 ગોલ કર્યા છે. આ પછી ઈરાનના પૂર્વ ખેલાડી અલી દાઈનો નંબર આવે છે, જેણે 148 મેચમાં 108 ગોલ કર્યા છે.

આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ 106 ગોલ (180 મેચ) કર્યા છે અને તે ત્રીજા સ્થાને છે. જો જોવામાં આવે તો સક્રિય ફૂટબોલરોમાં માત્ર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી જ છેત્રીથી આગળ છે. ઉપરાંત, સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર બીજો એશિયન ખેલાડી છે. આ મામલે ઈરાનના અલી દાઈ પહેલા નંબર પર છે.