Sports: ભારતીય રમત જગતમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ભારતના પ્રતિભાશાળી સ્પીડ સ્કેટર આનંદકુમાર વેલકુમારે ચીનના બેઇદાઇહેમાં આયોજિત સ્પીડ સ્કેટિંગ વિશ્વ ચેમ્પિયનશિપ 2025માં પહેલો ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં પહેલીવાર કોઈ ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે, જે ભારતીય સ્કેટિંગ માટે એક નવી સીમાચિહ્નરૂપ સિદ્ધિ ગણાય છે.

22 વર્ષીય આનંદકુમારે પુરુષોની સીનિયર 1000 મીટર સ્પ્રિન્ટ સ્પર્ધામાં માત્ર 1:24.924ના સમયમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેની આ જીતથી વિશ્વ સ્કેટિંગ મંચ પર ભારતને પ્રથમ વખત સીનિયર વર્ગમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. અગાઉ તેણે 500 મીટર સ્પ્રિન્ટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી પોતાની ક્ષમતા દર્શાવી હતી. હવે તેની ગોલ્ડ મેડલ જીતથી ભારતીય ખેલાડીઓ માટે નવો માર્ગ ખુલ્યો છે અને રમત જગતમાં નવી આશાઓ જગાવી છે.

આ સાથે જ ભારતે જુનિયર વર્ગમાં પણ સફળતા મેળવી છે. કૃષ શર્માએ 1000 મીટર સ્પ્રિન્ટ સ્પર્ધામાં જીત મેળવી દેશ માટે નવી આશાઓ ઊભી કરી છે. બંને ખેલાડીઓએ મળીને વિશ્વ સ્કેટિંગમાં ભારતની પ્રતિષ્ઠાને સતત વધારી છે.

આનંદકુમારની રમતગમત અને શૈક્ષણિક સફર

આ વર્ષે શરૂઆતમાં, ચીનના ચેંગદૂમાં યોજાયેલી વિશ્વ રમતમાં આનંદકુમારે 1000 મીટર સ્પ્રિન્ટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સાથે તેણે રોલર સ્પોર્ટ્સમાં ભારત માટે પહેલો મેડલ પણ મેળવ્યો હતો. તેની રમતગમતની સફર અહીંથી જ શરૂ થઈ નહોતી. 2021માં તેણે જૂનિયર વિશ્વ ચેમ્પિયનશિપમાં 15 કિમી એલિમિનેશન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. બે વર્ષ બાદ, હાંગઝોઉ એશિયન ગેમ્સમાં તેણે 3000 મીટરની ટીમ રિલે સ્પર્ધામાં ભારત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

રમત ઉપરાંત, આનંદકુમાર શિક્ષણમાં પણ આગળ છે. તે તમિલનાડુમાં વસવાટ કરે છે અને તેણે એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. રમત અને અભ્યાસ વચ્ચે સંતુલન જાળવી તેની કામગીરીએ અનેક યુવાનો માટે પ્રેરણાસ્રોત બની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા વખાણ

આ ઐતિહાસિક જીત બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદકુમારનું ખાસ વખાણ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું:
“સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની સીનિયર 1000 મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર આનંદકુમાર વેલકુમાર પર મને ગર્વ છે. તેમની ધીરજ, ગતિ અને જુસ્સાએ તેમને સ્કેટિંગમાં ભારતનો પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનાવ્યો છે. તેમની સિદ્ધિ અસંખ્ય યુવાનોને પ્રેરિત કરશે. આનંદકુમારને અભિનંદન અને તેમના ભવિષ્યના તમામ પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

વડાપ્રધાનના આ શબ્દોએ આનંદકુમારના પરિશ્રમ અને સામર્થ્યને દેશવ્યાપી સ્વીકૃતિ આપી છે અને રમતગમતમાં નવા યુગનો આરંભ દર્શાવ્યો છે.

ભારત માટે નવી આશાઓ

આનંદકુમાર વેલકુમારની જીત માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ભારતીય રમત જગતમાં એક નવી દિશા દર્શાવે છે. તેની જીતથી સ્પીડ સ્કેટિંગ જેવી ઓછી જાણીતી રમત માટે દેશભરમાં ઉત્સાહ વધ્યો છે. તેની સાથે કૃષ શર્માની જુનિયર વર્ગમાં જીત દર્શાવે છે કે આગામી પેઢીના ખેલાડીઓ માટે પણ નવા દ્વાર ખુલ્યાં છે.

આ જીતથી રમતપ્રેમીઓમાં પણ નવેસરથી આશા જાગી છે કે ભારત વિશ્વ મંચ પર વધુ મેડલ જીતશે અને રમતગમતના ક્ષેત્રમાં આગળ વધશે.

આ પણ વાંચો