ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીની પ્રથમ બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ત્રીજી વનડેમાં ઈજ્જત બચાવવા માટે રમી રહી છે. પર્થના WACA ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી આ ત્રીજી મેચમાં ભારતીય ટીમને 299 રનનો મોટો ટાર્ગેટ મળ્યો છે, જેનો પીછો કરતા ઓપનર Smriti Mandhanaએ એક મોટું કારનામું કર્યું છે. એનાબેલ સધરલેન્ડની શાનદાર સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા હતા. અનાબેલ સધરલેન્ડે 95 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના વિશાળ સ્કોરના જવાબમાં ભારતીય ઓપનિંગ જોડીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રિચા ઘોષ 16 રનના સ્કોર સાથે પેવેલિયન પરત ફરી હતી. આ પછી હરલીન દેઓલે સ્મૃતિ મંધાનાને સાથ આપ્યો અને બીજી વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી કરી. આ દરમિયાન સ્મૃતિ મંધાના પોતાની અડધી સદી પૂરી કરવામાં સફળ રહી હતી. ભારતને બીજો મોટો ફટકો 134 રનના સ્કોર પર હરલીન (39 રન)ના રૂપમાં લાગ્યો હતો. આ પછી મેદાન પર આવેલી ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર કંઈ ખાસ કરી શકી ન હતી અને માત્ર 12 રન બનાવીને એનાબેલ સધરલેન્ડનો શિકાર બની હતી. ભારતીય ટીમને ત્રીજો ફટકો પડ્યો તેના થોડા સમય બાદ સ્મૃતિ મંધાનાએ તેની સદી પૂરી કરી.
Smriti Mandhanaનો મોટો કરિશ્મા
સ્મૃતિ મંધાનાએ 34મી ઓવરના છેલ્લા બોલ પર ડબલ રન ચોરી કરીને ODIમાં તેની 9મી સદી ફટકારી હતી. તેણે 103 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં તેની બીજી સદી ફટકારી હતી. આ રીતે મંધાના ઓસ્ટ્રેલિયા સામે 2 ODI સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. આ પહેલા કોઈ ભારતીય મહિલા ક્રિકેટર આ મહાન સિદ્ધિ હાંસલ કરી શકી નથી. મંધાના ઓસ્ટ્રેલિયાની ધરતી પર એકથી વધુ ODI સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી પણ બની ગઈ છે. આટલું જ નહીં, આ વર્ષે મંધાનાના બેટમાંથી આ ચોથી ODI સદી છે અને તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મંધાના ODI ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં 4 સદી ફટકારનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે.
એક કેલેન્ડર વર્ષમાં ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર મહિલા ક્રિકેટર
- 4 – સ્મૃતિ મંધાના (2024)
- 3 – બેલિન્ડા ક્લાર્ક (1997)
- 3 – મેગ લેનિંગ (2016)
- 3 – એમી સેટરથવેટ (2016)
- 3 – સોફી ડિવાઇન (2018)
- 3 – સિદ્રા અમીન (2022)
- 3 – નેટ સાયવર-બ્રન્ટ (2023)
- 3 – લૌરા વોલ્વાર્ડ (2024)