Rahul Dravid: રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ 29 જૂને બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ સાથે જ ટીમ ઈન્ડિયા સાથે રાહુલ દ્રવિડની સફરનો અંત આવ્યો. રાહુલ દ્રવિડ હવે ફરી એકવાર IPLમાં પાછો ફર્યો છે, જ્યાં તે અગાઉ રાજસ્થાન અને દિલ્હી જેવી ટીમોના કોચ રહી ચૂક્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન, કેપ્ટન અને કોચ રાહુલ દ્રવિડ ફરી એકવાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પરત ફર્યા છે. ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ હવે રાહુલ દ્રવિડને IPL ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ દ્વારા તેના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ અંગે હોબાળો મચ્યો હતો અને હવે ફ્રેન્ચાઇઝીએ જ આ રહસ્ય ખોલ્યું છે. શુક્રવારે, 6 સપ્ટેમ્બરના રોજ, રાજસ્થાને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટીમના નવા મુખ્ય કોચ તરીકે દ્રવિડની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરી. રાહુલ દ્રવિડ આ પહેલા પણ રાજસ્થાન સાથે સંકળાયેલો હતો અને 2014-2015માં સતત બે સીઝન માટે ટીમનો મેન્ટર હતો.