પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી પણ ઈમ્પેક્ટ પ્લેયર નિયમની ચર્ચામાં કૂદી પડ્યા છે અને આ નિયમનું સમર્થન કર્યું છે. શાસ્ત્રીના કહેવા પ્રમાણે, ઈમ્પેક્ટ પ્લેયરના નિયમને કારણે આઈપીએલમાં ઘણી રોમાંચક મેચ ફિનીશ જોવા મળી છે. IPL 2024માં મોટો સ્કોર બનાવવામાં ઈમ્પેક્ટ પ્લેયરના નિયમની મુખ્ય ભૂમિકા રહી છે. જોકે, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ નિયમની ટીકા કરી હતી. તેણે કહ્યું કે આનાથી ઓલરાઉન્ડરની ક્ષમતા પર અસર થશે.
ભારતીય કેપ્ટન રોહિત પહેલો ખેલાડી હતો જેણે આ નિયમનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ 2022 સીઝનમાં શરૂ થયો હતો. શરૂઆતમાં તેને સૈયદ મુશ્તાક અલી T20 ટૂર્નામેન્ટમાં લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમ હેઠળ કોઈપણ ટીમ ઈમ્પેક્ટ સબ તરીકે 12મા ખેલાડીને ટીમમાં રાખી શકે છે. ટીમોએ ટોસ દરમિયાન ઈમ્પેક્ટ પ્લેયર્સની યાદી સબમિટ કરવાની હોય છે અને પ્લેઈંગ-11માં હાજર કોઈપણ ખેલાડીની જગ્યાએ ટીમ ઈમ્પેક્ટ સબ ફિલ્ડ કરી શકે છે.
‘તમારે સમય સાથે ચાલવું પડશે’
શાસ્ત્રીએ રવિચંદ્રન અશ્વિન સાથે યુટ્યુબ ચેનલ પર કહ્યું, ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ સારો છે. તમારે સમય સાથે આગળ વધવું પડશે. અન્ય રમતોમાં પણ આવું થાય છે. જ્યારે કોઈ નવો નિયમ આવે છે, ત્યારે કેટલાક લોકો તેને ખોટો કેવી રીતે સાબિત કરવો તે શોધવાની કોશિશ કરતા હોય છે, પરંતુ જ્યારે તમે જુઓ છો કે 190-200નો સ્કોર સતત બની રહ્યો છે અને લોકોને તક મળી રહી છે, ત્યારે તમે નિયમ વિશે વિચારવા માટે મજબૂર થઈ જાઓ છો.
ઇમ્પેક્ટ પ્લેયર નિયમ કાયમી નથી
તાજેતરમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે કહ્યું હતું કે ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ કાયમી નથી અને ભવિષ્યમાં તેના પર પુનર્વિચાર શક્ય છે. શાહે કહ્યું હતું કે ઇમ્પેક્ટ પ્લેયર નિયમ પ્રયોગ તરીકે લાગુ કરવામાં આવ્યો હતો. જો કે, આનાથી બે ભારતીય ખેલાડીઓને રમવાની વધારાની તક મળી રહી છે. તે મહત્વનું નથી? રમત પણ વધુ સ્પર્ધાત્મક બની રહી છે. જો ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝીને લાગે છે કે આ યોગ્ય નથી તો અમે તેના વિશે વાત કરીશું. હજુ સુધી કોઈએ આવું કંઈ કહ્યું નથી. આઈપીએલ અને ટી-20 વર્લ્ડ કપ પછી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આ કાયમી નિયમ નથી અને હું એમ નથી કહેતો કે અમે તેને નાબૂદ કરીશું. શાહે એમ પણ કહ્યું કે T20 વર્લ્ડ કપ રમવા જઈ રહેલા ભારતીય ખેલાડીઓને આરામની જરૂર નથી કારણ કે મેચ પ્રેક્ટિસ શ્રેષ્ઠ તૈયારી છે.