IND vs AUS: મેલબોર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથની શાનદાર સદીને કારણે પ્રથમ દાવમાં 474 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ 140 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ફરી એકવાર સૌથી વધુ 4 વિકેટ લીધી જ્યારે રવિન્દ્ર જાડેજાએ 3 બેટ્સમેનોને ઝડપી લીધા. ઓસ્ટ્રેલિયાના વિશાળ સ્કોરના જવાબમાં ભારતીય ઇનિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ફરી એકવાર ફ્લોપ સાબિત થયો. રોહિત માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે રોહિત શર્માને આઉટ કર્યો હતો. રોહિત શર્માના આઉટ થયા બાદ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે કેએલ રાહુલ સાથે મળીને આગેવાની લીધી અને ભારતના સ્કોરને 50 રનથી આગળ લઈ ગયો. 

IND vs AUS: જયસ્વાલ સદી ચૂકી ગયો 

કેએલ રાહુલ 24 રન બનાવીને આઉટ થયો હતો અને ત્યારબાદ વિરાટ કોહલી જયસ્વાલને સપોર્ટ કરવા ક્રિઝ પર આવ્યો હતો. બંને બેટ્સમેનોએ શાનદાર રમત રમી અને ઓસ્ટ્રેલિયાના બોલરો પર દબાણ બનાવવા માટે 100થી વધુ રનની ભાગીદારી બનાવી. જો કે આ દરમિયાન વિરાટ અને જયસ્વાલ વચ્ચેની ભાગીદારી રન ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે તૂટી ગઈ હતી. જયસ્વાલ સાથી બેટ્સમેન કોહલીની ભૂલનો શિકાર બન્યો હતો. જયસ્વાલે શોટ રમ્યો કે તરત જ તે રન ચોરી કરવા દોડ્યો પણ ત્યાં રનનો કોઈ અવકાશ નહોતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિન્સના થ્રો પર વિકેટકીપર એલેક્સ કેરીએ વિકેટો વેરવિખેર કરી તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જયસ્વાલે 118 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 11 ફોર અને એક સિક્સર ફટકારી હતી.

તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો

જયસ્વાલ ભલે સદી ચૂકી ગયો, પરંતુ તેની 82 રનની ઈનિંગની મદદથી તેણે 22 વર્ષનો સચિન તેંડુલકરનો વિશાળ રેકોર્ડ તોડી નાખ્યો. જયસ્વાલે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. 2002માં સચિને 16 ટેસ્ટ મેચોની 26 ઇનિંગ્સમાં 1392 રન બનાવ્યા હતા, જેમાં 4 સદી અને 5 અડધી સદી સામેલ હતી. હવે યશસ્વી જયસ્વાલે આ વર્ષે 15 ટેસ્ટ મેચોની 28 ઇનિંગ્સમાં 1394 રન બનાવ્યા છે. તે વર્ષ 2024માં ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે.