Hardik Pandya 27 જુલાઈથી શ્રીલંકા સામે શરૂ થનારી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમનું સુકાન સંભાળશે. જો કે, સ્ટાર ઓલરાઉન્ડર અંગત કારણોસર તરત જ યોજાનારી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી બ્રેક લેશે.
બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, હાર્દિક ટી-20 વર્લ્ડ કપમાં ટીમનો વાઇસ કેપ્ટન હતો. તે સંપૂર્ણ રીતે ફિટ છે અને શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં તે ભારતીય ટીમનું સુકાન સંભાળશે. શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી 27 થી 30 જુલાઈ સુધી પલ્લેકેલેમાં રમાશે, જ્યારે 2 થી 7 ઓગસ્ટ દરમિયાન કોલંબોમાં ત્રણ વનડે મેચ રમાશે.
એક-બે દિવસમાં જાહેરાત કરવામાં આવશે
આગામી એક-બે દિવસમાં શ્રીલંકા માટેની ટીમની જાહેરાત થઈ શકે છે. જો કે હાર્દિક પંડ્યાના ડેપ્યુટી કોણ હશે તે હજુ સ્પષ્ટ થયું નથી. માનવામાં આવે છે કે સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલમાંથી કોઈ એકને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ઝિમ્બાબ્વે સામેની તાજેતરની ટી20 શ્રેણીમાં ગિલ કેપ્ટન હતો, જે ભારતીય ટીમે 4-1થી જીતી હતી. સૂર્યા ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ટી-20 ટીમની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાર્દિકે વનડે શ્રેણીમાંથી આરામની માંગ કરી છે અને તેણે આ અંગે ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માને જાણ કરી છે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, હાર્દિકે અંગત કારણોસર બ્રેક લીધો છે અને તેની ફિટનેસને લઈને કોઈ સમસ્યા નથી. શુબમન ગિલ અથવા કેએલ રાહુલને વનડે શ્રેણી માટે ટીમની કપ્તાની સોંપવામાં આવી શકે છે.
સ્ટાર ક્રિકેટરોએ હોમ સિરીઝ રમવી પડશે
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કહ્યું છે કે જો ઈન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમે તો તમામ સ્ટાર ક્રિકેટરોને ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમવું પડશે. રોહિત, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને મુક્તિ આપવામાં આવી છે. BCCI ઈચ્છે છે કે બાકીના તમામ ટેસ્ટ નિષ્ણાતો ઓગસ્ટમાં દીલીપ ટ્રોફીની ઓછામાં ઓછી એક મેચ રમે. આ પછી ટીમે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ટેસ્ટ સીરીઝ રમવાની છે.
સૂત્રોએ જણાવ્યું કે આ વખતે દીલીપ ટ્રોફી માટે કોઈ ઝોનલ સિલેક્શન કમિટી નથી અને માત્ર રાષ્ટ્રીય પસંદગીકારો જ ટૂર્નામેન્ટ માટે ટીમ પસંદ કરશે. ટેસ્ટ ટીમમાં રમવા માટેના તમામ દાવેદારોની પસંદગી કરવામાં આવશે. રોહિત, વિરાટ અને બુમરાહ પાસે વિકલ્પ હશે કે તેઓ રમવા માગે છે કે નહીં.