ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેગા હરાજી પહેલા ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સમાં નવો વિવાદ છેડાઈ ગયો છે. KPH ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડની સહ-માલિક અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ ચંદીગઢ જિલ્લા કોર્ટમાં કંપનીના સહ-માલિક મોહિત બર્મન વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

આ અરજીમાં પ્રીતિએ મોહિત બર્મનના 11.5 ટકા શેર અન્ય કોઈને વેચવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ અરજી પર એડિશનલ સેશન્સ જજ સંજય સંધીરની કોર્ટમાં 20 ઓગસ્ટે સુનાવણી થશે.

મોહિત બર્મન શેર વેચવાની ધમકી આપી રહ્યો છે
અરજી અનુસાર, KPH ડ્રીમ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોહિત બર્મન 48 ટકા હિસ્સા સાથે બહુમતી શેરધારક છે જ્યારે પ્રીતિ ઝિન્ટા અને નેસ વાડિયા 23-23 ટકા હિસ્સો ધરાવે છે. બાકીના શેર ચોથા શેરધારક કરણ પોલના છે.

IPLમાં પંજાબ કિંગ્સ આ કંપનીની ટીમ છે. અરજી અનુસાર, પ્રીતિ ઝિન્ટાનું કહેવું છે કે મોહિત બર્મન તેના 11.5 ટકા શેર અન્ય કોઈ પાર્ટીને વેચવાની ધમકી આપી રહ્યો છે, તેથી તેણે બર્મનને આ શેર વેચતા રોકવાની માંગ કરી છે. જેના પર કોર્ટે બર્મનને જવાબ આપવા નોટિસ ફટકારી છે.

પંજાબ કિંગ્સે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી
પ્રીતિએ આર્બિટ્રેશન એન્ડ કોન્સિલિયેશન એક્ટ-1996 હેઠળ અરજી દાખલ કરી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈપણ શેરહોલ્ડર જૂથની બહાર તેના શેર ત્યારે જ વેચી શકે છે જ્યારે અન્ય શેરધારકો તે શેર ખરીદવાનો ઇનકાર કરતા હોય. આ કેસમાં હજુ સુધી આવું થયું નથી.

બાકીના શેરધારકોએ હજુ સુધી બર્મનના આ શેર ખરીદવાની ના પાડી નથી. જો કે બર્મને પણ અત્યાર સુધી પોતાનો હિસ્સો વેચવાની ના પાડી દીધી છે. પંજાબ કિંગ્સે પણ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.