Asian championship trophy: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો યજમાન ચીન સામે થશે જેણે પ્રથમ સેમિફાઈનલમાં પાકિસ્તાનને પેનલ્ટી શૂટ આઉટમાં હરાવ્યું હતું. ભારતીય ટીમે અગાઉ 2022માં પણ આ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો, જે તેનું ચોથું ટાઈટલ હતું.

પેરિસ ઓલિમ્પિક 2024ની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમે તેનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે અને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ઓલિમ્પિક બાદ પોતાની પ્રથમ ઈવેન્ટ રમી રહેલી ટીમ ઈન્ડિયાએ સોમવાર, 16 સપ્ટેમ્બરના રોજ આયોજિત સેમિફાઈનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને ફરી એકવાર ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ રીતે વર્તમાન ચેમ્પિયન ટીમ ઈન્ડિયા તેના પાંચમા ખિતાબની નજીક પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાની જીતનો સ્ટાર ફરી એકવાર કેપ્ટન હરમનપ્રીત સિંહ રહ્યો જેણે બે ગોલ કર્યા અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું. હવે ટીમ ઈન્ડિયા ટાઈટલ માટે યજમાન ચીન સામે ટકરાશે.

ચીનના હુલુનબીરમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસથી જ જોરદાર પ્રદર્શન કર્યું, જે સેમીફાઈનલ સુધી ચાલુ રહ્યું. લીગ તબક્કાની તમામ 5 મેચ જીત્યા બાદ કોચ ક્રેગ ફુલટનની ટીમે છઠ્ઠી મેચ પણ સરળતાથી જીતી લીધી હતી. દક્ષિણ કોરિયા સામેની આ મેચમાં ભારતીય ટીમે પહેલા ક્વાર્ટરથી જ ગોલ કરવાની શરૂઆત કરી હતી અને ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં 4-1ની સરસાઈ મેળવી લીધી હતી.

ભારતીય ટીમની આક્રમક રમત

પ્રથમ ક્વાર્ટરના અંત પહેલા ઉત્તમ સિંહે 13મી મિનિટે ટીમ ઈન્ડિયા માટે પહેલો ગોલ કરીને 1-0ની લીડ અપાવી હતી. પછી તરત જ બીજા ક્વાર્ટરમાં લીડ 2-0 થઈ ગઈ. આ વખતે મેચની 19મી મિનિટે સુકાની હરમનપ્રીતે પેનલ્ટી કોર્નરથી જોરદાર શોટ લગાવીને ગોલ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રીજા ક્વાર્ટરમાં 2 ગોલ કર્યા હતા. જરમનપ્રીત સિંહે 32મી મિનિટે સ્કોર 3-0 કર્યો હતો પરંતુ માત્ર એક મિનિટ બાદ કોરિયાને પ્રથમ વખત સફળતા મળી હતી. તેના માટે યાંગ જિહુને 33મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. આ ક્વાર્ટરની છેલ્લી મિનિટોમાં હરમનપ્રીતે ફરી એક ગોલ કરીને જીત પર મહોર મારી હતી. છેલ્લા ક્વાર્ટરમાં કોઈ ગોલ થયો ન હતો અને ભારતીય ટીમ 4-1થી જીત સાથે ફાઇનલમાં પહોંચી હતી.

ફાઇનલમાં ચીન સાથે સ્પર્ધા

ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો મુકાબલો ચીન સાથે થશે જેણે પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. આ સેમિફાઇનલમાં 60 મિનિટ સુધી સ્કોર 1-1થી બરાબર રહ્યો, ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. અહીં પાકિસ્તાની ખેલાડીઓ એક પણ ગોલ કરી શક્યા ન હતા, જ્યારે ચીને 2 ગોલ કરીને મેચ 2-0થી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ફાઈનલ 17 સપ્ટેમ્બર મંગળવારના રોજ રમાશે. બંને ટીમો લીગ તબક્કાની તેમની પ્રથમ મેચમાં ટકરાયા હતા, જેમાં ભારત 3-0થી જીત્યું હતું.