સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં 15 વર્ષની કિશોરીને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરવું અને ના પાડવા પર થપ્પડ મારવાના ગુનામાં 25 વર્ષના હીરા શ્રમિક રોહિત રતન પરમારને સુરતની વિશેષ પોક્સો કોર્ટે દોષિત ઠેરવી ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.

કેસની વિગતો અનુસાર, આરોપી રોહિત રતન પરમાર કિશોરીને ફોન પર સંપર્કમાં હતો અને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જોકે, કિશોરીની માતાને આ વાતની જાણ થતાં તેમણે પુત્રીને સમજાવી અને બંને વચ્ચેનો સંપર્ક તોડી નાખવામાં આવ્યો હતો. આમ છતાં, 25 ડિસેમ્બર, 2024ના રોજ કિશોરી દૂધ લઈને ઘરે પરત ફરી રહી હતી ત્યારે આરોપીએ તેને રોકીને થપ્પડ મારી હતી.
આ ઘટનાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ચાર્જશીટ રજૂ થયા બાદ પોક્સો એક્ટ હેઠળના કેસની સુનાવણી વિશેષ કોર્ટમાં ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન અધિક લોક અભિયોજક એમ.કે. બ્રહ્મભટ્ટે આરોપોને સાબિત કરવામાં સફળતા મેળવી હતી. અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે.