Botad: વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજકોટ ખાતે વિશાળ જનસભામાં બોટાદની આજની ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ ખેડૂતો માટે આંદોલન કર્યું. એમણે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું પરંતુ આજે બોટાદમાં શું ઘટના બની? એવી જ ઘટના પાટીદાર અનામત આંદોલનમાં મહુડી ચોકમાં બની હતી.
પોલીસવાળા ચાર બુટલેગરોને લઈને આવ્યા અને બુટલેગરોએ પથરા ઉછાળવાનું ચાલુ કર્યું, આ દરમિયાન ગામના લોકો સ્તબ્ધ હતા અને વિચારતા હતા કે આ કયા ગામના લોકો આવી ગયા છે. એટલામાં તો પોલીસે “પથ્થરમારો થયો અમારા પર” એમ કહીને માર મારવાનું શરૂ કર્યું. તમે દસ પંદર બુટલેગર લઈને આવ્યા અને તમે આખા ગામને આરોપી બનાવવાની કોશિશ કરીને આવ્યા. હાલ આજે ટોળું છે એમાં પાંચ બુટલેગરો આવીને પથ્થરમારો કરે તો આપણે શું કરી લેવાના? આજે બોટાદમાં આવી જ ઘટના બની કે પોલીસવાળા 10-15 બુટલેગરોને લઈને આવ્યા અને એ બુટલેગરોએ પથ્થરમારો કર્યો પછી પોલીસે આખા ગામની ચારે બાજુથી ઘેરી લીધું અને ત્યારબાદ ગામના ખેડૂતોને બેફામ માર માર્યો. પોલીસે અમારા અનેક આગેવાનોને પકડ્યા, પોલીસના માણસોએ પોલીસની ગાડી ઉથલાવીને સળગાવી દીધી પછી એ જ લોકોએ કેમેરામાં રેકોર્ડ કરીને કહ્યું કે જુઓ અમારી ગાડી સળગાવી દીધી.
ભૂતકાળમાં બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે કોઈ બોલ્યું નહીં. ગુજરાતના અનેક બુટલેગરોએ પોલીસવાળાઓ પર ગાડીઓ ચડાવી દીધી એ સમય તો કોઈએ FIR પણ થતી નથી. પરંતુ જ્યારે એક નિર્દોષ માણસ આંદોલન કરવા નીકળે અને પોતાનો હક માંગવા નીકળે એટલે ભાજપવાળા તરત પોલીસ મોકલે છે. મેં નક્કી કર્યું છે કે જે લોકોએ ભાજપની દલાલી કરી છે, જે જે લોકોને પ્રમોશન જોઈએ છે અને જે જે લોકોને મેડલ જોઈએ છે એ બધાને ગોપાલ ઇટાલીયા લોઢાના મેડલ આપશે.
કેટલાક અધિકારીઓ સારા છે પરંતુ બાકીના બધાને પ્રમોશન જોઈએ છે, પૈસા જોઈએ છે અને સારી જગ્યાએ પોસ્ટિંગ જોઈએ છે અને એમાં જ એ લોકોએ સરકારની દલાલી ચાલુ કરી. 2027માં જ્યારે સરકાર બદલાશે ત્યારે બધાને લાઇનમાં ઊભા રાખીને લોઢાના મેડલ પહેરાવવામાં આવશે. આવા મોટા સ્ટેજ પર જ એ લોકોને બોલવામાં આવશે. જે લોકો જનતાને રિબાવે છે એ લોકોને આપણે છોડી શકતા નથી. જેણે જેણે જનતાને દબાવવાનું અને જનતાને શોષણ કરવાનું કામ કર્યું અને જેણે ભ્રષ્ટાચાર કર્યો અને જેણે પૈસા લૂંટ્યા છે એ બધાને લોઢાના મેડલ આપવામાં આવશે.