પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે આગોતરી તૈયારીઓના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ચોમાસા પૂર્વે અને ચોમાસાની સિઝન દરમિયાન કરવાની થતી કામગીરીઓના આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની તૈયારીઓ બાબતે બેઠક યોજાઈ હતી.

Gujrat Weather: જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, આગામી તા.૦૧ જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલરૂમ કાર્યરત કરી અને વરસાદલક્ષી બાબતોની જરૂરી વિગતો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે. તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર, પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ, નુકસાનીનો સર્વે, વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વવત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જરૂરી છે. માનવ અને પશુ મૃત્યુના કિસ્સામાં સહાય-વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યુ કે, દરેક તાલુકા કક્ષાએ સ્થાનિક તરવૈયાઓ, બુલડોઝર, ટ્રેકટર સહિતના વાહનો, ડ્રાઇવરના સંપર્ક નંબર સાથેની વિગતો અદ્યતન અને હાથવગી રાખવામાં આવે. સ્થળાંતર અને રાહત બચાવના કિસ્સામાં જે સ્થળોનો આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરવાનો હોય તેની પ્રાથમિક સુવિધાઓની ચકાસણી અગાઉથી જ કરી લેવામાં આવે તે સુનિશ્ચિત કરી લેવું જરૂરી છે.

જિલ્લાના તમામ કોઝ-વે પર પાણીનું માપ દર્શાવતા સાઇન બોર્ડ સુવાચ્ય હોય તે સુનિશ્ચિત કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતુ. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, આ પ્રકારના કોઝ-વે પરથી પાણી ભરાયેલું હોય ત્યારે વાહન ચાલકો પસાર ન થાય તે માટે જરૂરી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે તે માટે વ્યવસ્થા કરવા તેમજ સંબંધિત વિભાગ હસ્તકના પુલ, કોઝ-વે, નાળાઓ હોય અને સમારકામની આવશ્યકતા હોય તો તે અંગેની વિગતો આગોતરી જ મેળવી તે માટે ઘટતું કરવા તેમણે સૂચનાઓ આપી હતી.

વધુમાં તેમણે જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત ઈમારતો, ટાવરો સહિતની બાબતોનો સર્વે કરવો, જોખમી હોય તેવી ઈમારતો, ટાવરને ધરાશાયી કરવાની સ્થિતિ આવે તો તે માટે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓ-વડાઓને ઘટતું કરવા વિશેષ સૂચના આપી હતી

આ બેઠકમાં જિલ્લાના તમામ ડેમ ખાતેના વાયરલેસ સહિતના દુરસંચારના ઉપકરણો કાર્યરત હોય, ડેમ સુધી જવાના માર્ગો કાર્યરત હોય તેની ચકાસણી કરવી અને ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર સહિતની કામગીરી અગાઉથી જ કરવામાં આવે તે અંગે વિશેષ કાળજી રાખવા પણ જણાવાયું હતુ. પીવાના પાણીના વિતરણ પૂર્વે ક્લોરિનેશન, સુપર ક્લોરિનેશન થાય તે બાબતે ધ્યાનમાં રાખવા સુચના આપવામાં આવી હતી. વીજ પુરવઠો ખોરવાઈ ગયા બાદ ઝડપથી તે પૂર્વરત થઇ શકે તે માટે ઘટતી કામગીરી કરવા માટે વીજતંત્રને સૂચના આપવામાં આવી હતી. ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ, જરૂરી સફાઈ વ્યવસ્થા, દવા છંટકાવ તેમજ અગ્નિશમનના સાધનો કાર્યરત કરી દેવા માટે પણ વિશેષ સૂચના આપવામાં આવી હતી.