સુરત: અમરોલી પોલીસે પ્રેમ અપહરણના કેસમાં ગણતરીના કલાકોમાં યુવતીના પરિવારના સભ્યો સહિત ચાર આરોપીઓને વડોદરાના ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યા છે. ફરિયાદી સંજયભાઈ પરમારે થોડા મહિના પહેલાં રાજસ્થાનની 23 વર્ષીય પાયલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે યુવતીના પરિવારને મંજૂર નહોતું. આ કારણે 27 નવેમ્બરની સાંજે અમરોલીની અભિષેક ટાઉનશિપમાં તેમના નિવાસ પાસેથી પાયલનું અપહરણ કરવામાં આવ્યું હતું.

ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, સીસીટીવી ફૂટેજ અને 39 ખાનગી લક્ઝરી બસોની તપાસ કરી. પોલીસને માહિતી મળી હતી કે આરોપીઓ યુવતીને બસ દ્વારા રાજસ્થાન લઈ જઈ રહ્યા છે. ઝડપી કાર્યવાહીના પરિણામે પોલીસે વડોદરાથી આરોપીઓને ઝડપી લીધા અને યુવતીને સુરક્ષિત રીતે બચાવી લીધી. ઝડપાયેલા આરોપીઓમાં યુવતીના પિતા રસિયાભાઈ ગરાસિયા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ, જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે, સામે અપહરણ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.




