Rajkot: ગુજરાતમાં પોલીસકર્મીઓના આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં વધુ એક ઘટના રાજકોટમાં બની હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ,પોલીસ કમિશનર ઓફિસમાં કામ કરતા એક SRP જવાને ફરજ પર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. મૃતક SRP જવાનની ઓળખ ગજુભા જીલુભા રાઠોડ તરીકે થઈ છે, જે 50 વર્ષનો હતો.
આ ઘટના ક્યારે બની?
મળતી માહિતી મુજબ, આ ઘટના ગુરુવારે રાત્રે (11 ડિસેમ્બર) બની હતી. ગજુભાએ પોતાની સર્વિસ રાઈફલથી છાતીમાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે SRP જવાનની આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ગજુભા કચ્છના રહેવાસી હતા અને તેમની બે પુત્રીઓ છે. તેઓ SRP ગ્રુપ 13C માં કાર્યરત હતા. તેઓ માત્ર ચાર મહિનાથી રાજકોટ પોલીસ કમિશનર ઓફિસમાં પોસ્ટેડ હતા. જોકે, હવે પોલીસે તેમની આત્મહત્યા પાછળના કારણો શોધવા માટે તપાસ શરૂ કરી છે.





