Rajkot શહેરમાં માતાની હત્યા કરનાર પુત્રને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2020માં શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારીયા ખાતે માતાએ કામ-ધંધો કરવા બાબતે ઠપકો આપતાં પુત્ર પ્રકાશ રાઠોડે ઝઘડો અને મારામારી દરમિયાન માતા શેઠાણીબેનને માથાના ભાગે માર માર્યો હતો.

જો કે આ કેસમાં ફરિયાદી સહિત તમામ સાક્ષીઓ પ્રતિકૂળ બન્યા હતા પરંતુ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ રાજકોટ સેશન્સ કોર્ટે દંડની સાથે કડક સજા ફટકારી છે.

7 જૂન 2020 ના રોજ ફરિયાદી અરવિંદ ઉપેન્દ્રભાઈ રાઠોડ તેની માતાના ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન તેનો ભાઈ આરોપી પ્રકાશ ઉર્ફે ઋત્વિક ઉપેન્દ્રભાઈ રાઠોડ રિક્ષામાં રોડ પરથી જતો જોવા મળ્યો હતો ત્યારે પ્રકાશે રિક્ષા અટકાવી જણાવ્યું હતું કે રાત્રે અમારી માતા શેઠાણીબેન સાથે કામ બાબતે બોલાચાલી થઈ હતી.

માતાની રોજબરોજની દલીલોથી કંટાળીને મેં મારી માતાને ઝૂંપડામાં પડેલા હથોડાથી માથાના ભાગે મારીને હત્યા કરી નાખી હતી. તે લોહીલુહાણ પડી રહી છે. ફરિયાદી ઘરે પહોંચતા માતાને સારવાર માટે 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે માતા શેઠાણીબેનને મૃત જાહેર કર્યા હતા.