Rajkot: રાજકોટના પડધરી તાલુકાના ખોખરી ગામમાં ચાર દિવસથી ગુમ પિતા-પુત્રના મૃતદેહ એક નાળામાંથી મળી આવતા સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
પિતા-પુત્ર 16 જાન્યુઆરીથી ગુમ છે.
અહેવાલો અનુસાર, ખોખરી ગામના 27 વર્ષીય રાજેશ દાવર અને તેનો છ વર્ષનો પુત્ર અરુણ દાવર 16 જાન્યુઆરીએ ગુમ થયા હતા. પરિવારે તેમની શોધખોળ કરી હતી પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તપાસ દરમિયાન, આજે (20 જાન્યુઆરી) તેમના મૃતદેહ ગામના નાળામાંથી મળી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
હાલમાં, પડધરી પોલીસે બંને મૃતદેહોને પોતાના કબજામાં લઈ લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. આ ઘટના અકસ્માત છે કે બીજું કંઈક છે તે અંગે વિવિધ અટકળો ફેલાઈ રહી છે. પિતા-પુત્રના નહેરમાં પડવા અને ડૂબવા પાછળનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે.





