Rajkot News: ગુજરાતના રાજકોટ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ કોલેજના વિદ્યાર્થીઓના મોત થયા છે અને આઠ અન્ય ઘાયલ થયા છે. ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે રાત્રે લગભગ 1.30 વાગ્યે જસદણ તાલુકાના જંગવડ ગામ નજીક આ અકસ્માત થયો હતો. જેમાં હાઇવે પરથી પસાર થતી એક ઝડપી SUV અચાનક પલટી ગઈ હતી જેમાં સાવલ એન્જિનિયરિંગ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે આઠ અન્ય ઘાયલ થયા હતા.
શનિવારે સવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ સ્થિત કોલેજના 12 વિદ્યાર્થીઓ વાહનમાં હતા અને વેકેશન માટે દીવ જઈ રહ્યા હતા. આટકોટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.એસ. સાકરિયાએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ નરેશ કોડાવટી (19), મોતી હર્ષ (17) અને આફ્રિદી સૈયદ (17) તરીકે થઈ છે, જે બધા આંધ્રપ્રદેશના રહેવાસી હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘રાજકોટ સ્થિત આર.કે. યુનિવર્સિટીના 12 વિદ્યાર્થીઓનું એક જૂથ રજાઓ ઉજવવા માટે ભાડાની SUVમાં દરિયાકાંઠાના શહેર દીવ જઈ રહ્યા હતા .’ અધિકારીએ જણાવ્યું હતું કે એક વિદ્યાર્થી વાહન ચલાવી રહ્યો હતો. જ્યારે તેણે વળાંક પર વાહન પરનો કાબુ ગુમાવ્યો જેના કારણે વાહન રાજ્ય ધોરીમાર્ગ પર પલટી ગયું અને તેમાં સવાર ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા.
અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘાયલ વિદ્યાર્થીઓ વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આઠ ઘાયલોમાંથી બેના હાડકાં તૂટી ગયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી. અન્ય છની સારવાર હાલમાં ચાલી રહી છે.