Paryushan: શ્રી દશવૈકાલિકા સૂત્ર નામના આગમમાં સાંપડતી અત્યંત માર્મિક અને હૃદયસ્પર્શી જિનવાણી (૮-૩૮) કહે છે, ‘ઉપશમ દ્વારા ક્રોધને નષ્ટ કરો, મૃદુતા દ્વારા મનને જીતો, સરળતા દ્વારા કપટ ભાવને દૂર કરો અને સંતોષ વડે લોભ પર વિજય મેળવો.’
Paryushan: પર્વાધિરાજ પર્યુષણની પ્રયોગશાળાના આજના દિવસે એ સમજીએ કે પર્યુષણ એ આપણા જીવનને ‘યુ ટર્ન’ આપવા માટેનું મહા પ્રભાવક પર્વ છે. આજ સુધી બીજાના દોષો ખોળતું મન જરા ‘યુ ટર્ન’ લઈને પોતાના દોષોની ખોજ કરવાનું શરૂ કરે, પર્યુષણનો સમય એ આપણે માટે ચિત્ત પરિવર્તન અને આત્મશુદ્ધિનો સમય છે.
તમે કલ્પના કરો કે પાંચ તોફાની, ઉદ્ધત, ખૂંખાર અને અત્યંત વેગથી દોડતા અશ્વોવાળો રથ હોય અને એ રથનો મન-મસ્ત સારથિ આંખો મીંચીને રથ દોડાવતો હોય, તો શું થાય ? બસ, આવી છે આપણી પાંચ ઈંદ્રિયો અને તેના પર સવાર આપણું મન. એ ઈંદ્રિયો માનવીમાં પ્રબળ વિકાર જગાવે છે અને એનું મન એને આંધળોભીંત બનાવીને આમ તેમ દિશાહીન દોડાવ્યે જાય છે.
જૈનદર્શન કહે છે કે ઇંદ્રિયોનું શરણ એ દુઃખનો રસ્તો અને વિનાશનો માર્ગ છે. એને શરણે જઈને વ્યક્તિ પોતે પોતાના વિનાશને સામે ચાલીને નિમંત્રણ આપતો હોય છે.
પર્યુષણના જપ, તપ, વ્યાખ્યાન, ધ્યાન એ સઘળાં ઈન્દ્રિયોના વિષયને અતિક્રમીને આત્મા સુધી પહોંચીને એના આનંદમાં રમમાણ રહેવાની પ્રયોગભૂમિ છે
પાંચ ઇંદ્રિયોના ભોગમાં ડૂબેલા માણસની કેવી દુર્દશા થતી હશે ! જ્યાં બે ઈન્દ્રિયોને સાચવવી મુશ્કેલ છે, ત્યાં પાંચ-પાંચ ઈન્દ્રિયો ભેગી થાય, તો કેવો ઉલ્કાપાત સર્જાય! આથી ભગવાન મહાવીરે ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ (૨૩/૫૮)માં કહ્યું, ‘મન એક સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડા જેવું છે જે ચારે તરફ દોડતું રહે છે.’
આ મનનું જરા પરિવર્તન કરીએ અને જુઓ આજ સુધી મન બીજાની પ્રવૃત્તિઓ પર સીસીટીવીની જેમ નજર રાખતું હતું, તે મન હવે આપણા પોતાના ભીતરની પ્રવૃત્તિઓ જોતું થશે. બીજાની પ્રકૃતિ, દોષો કે નિર્બળતાઓને જોનારી દ્રષ્ટિ હવે સ્વ-ભાવમાં કેન્દ્રિત થશે અને શંકા કરનારી એ નજરમાં શ્રદ્ધા આવશે. આ રીતે પર્યુષણના જપ, તપ, વ્યાખ્યાન, ધ્યાન એ સઘળાં ઈન્દ્રિયોના વિષયને અતિક્રમીને આત્મા સુધી પહોંચીને એના આનંદમાં રમમાણ રહેવાની પ્રયોગભૂમિ છે.
આજે આત્માની સમીપ જઈને ચિત્તશુદ્ધિ, હ્દયશુદ્ધિ અને આત્મશુદ્ધિના માર્ગે આગળ ડગ માંડીએ, એ જ પર્યુષણની સાચી આરાધના.
-કુમારપાળ દેસાઈ