મોરબી જિલ્લામાં આગામી તારીખ 7 મે ના રોજ મતદાન થનાર છે. જેથી મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્તારોમાં મતદાનના દિવસે અડચણ થતી અટકાવવા તથા જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામુ બહાર પાડયું છે. આ જાહેરનામાં અનુસાર જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્થાન પાસે એક લાઈનમાં ઉભા રહેવું. જો સ્ત્રીઓ માટે જુદી લાઈન હોય તો તેમાં તેણીએ ઉભા રહેવું તેમજ દિવ્યાંગ અને સીનીયર સીટીઝન વ્યકિતઓને પ્રાથમિકતા આપવાની રહેશે. મતદારે મતદાન મથકમાં લાઈન મુજબ પોતાના ક્રમાનુસાર એક પછી એક દાખલ થવું. મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તારમાંથી ચાલ્યા જવાનું રહેશે.

આ જાહેરનામુ તા.૦૭/૦૫/૨૦૨૪ ના દિવસ માટે અમલમાં રહેશે. આ હુકમના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સને ૧૯૫૧ ના મુંબઈ પોલીસ અધિનિયમની કલમ-૧૩૪ તથા ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબની શિક્ષાને પાત્ર થશે.