લોકસભાની ચૂંટણી અન્વયે આજે સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં પણ મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકોએ લોકોએ વહેલી સવારથી કતારો લગાવી હતી.
Lok Sabha Election 2024 Phase 3 Voting: મોરબી જિલ્લા વાસીઓ મતદાન ની પવિત્ર ફરજ નિભાવવા કટિબદ્ધ છે તે વહેલી સવારથી મતદાન મથકો પર લાગેલી લાઈનો જોઈને લાગી રહ્યું છે. મોરબી જિલ્લા વાસીઓ અનેરા ઉત્સાહ સાથે મતદાન મથકો પર પહોંચી મતદાન કરી રહ્યા છે. મતદારો માટે મતદાન મથક પર આનુસંગિક તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. મતદારોને પડતી અગડ અન્વયે સહાયતા કેન્દ્રો પણ તેમની મુશ્કેલીઓ નિવારવા પ્રયત્નશીલ છે.
મોરબી જિલ્લાના યુવા થી માંડીને વરિષ્ઠ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અન્ય લોકોને પણ આજે છ વાગ્યા સુધી અવશ્ય મતદાન કરવા અપીલ કરી રહ્યા છે.
ઉપરાંત, લોકસભાની ચૂંટણી માટે મતદાનને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લામાં કુલ ૮૮૯ મતદાન મથકો આવેલા છે. જેમાંથી ૪૫૦ મતદાન મથકોની વેબ કાસ્ટીંગ કરવામાં આવશે જેમાં મોરબીમાં ૧૫૧, ટંકારામાં ૧૪૬ અને વાંકાનેરમાં ૧૫૩ મતદાન મથકો આવેલા છે. મોરબી જિલ્લામાં ૪૫૦ મતદાન મથક પર વેબકાસ્ટિંગ માટે સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. તેમજ વેબ કાસ્ટીંગ નોડલ અધિકારીશ્રી એસ.જે. ખાચરના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારીશ્રી રમેશ ગોહિલ સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી રહ્યા છે.