Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદીએ 29,400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ના થાણે-બોરીવલીની અને BMCના ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાને કર્યો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ નવી મુંબઈના તુર્ભે ખાતે મધ્ય રેલવેના કલ્યાણ યાર્ડ રિમોડેલિંગ અને ગતિ શક્તિ મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે નવા પ્લેટફોર્મનો શિલાન્યાસ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે પ્લેટફોર્મ 10 અને 11ના વિસ્તરણનો પણ PM મોદીએ શિલાન્યાસ કર્યો હતો.


થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટ રૂ. 16,600 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. સંજય ગાંધી નેશનલ પાર્કની નીચેથી પસાર થતી આ ટનલ બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને થાણેના ઘોડબંદર રોડને જોડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 11.8 કિલોમીટર લાંબા બોરીવલી થાણે લિંક રોડના નિર્માણથી થાણેથી બોરીવલીનું અંતર 12 કિલોમીટર ઓછું થશે અને સમય પણ એક કલાક ઓછો થશે.


લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પ્રથમ વખત મુંબઈની મુલાકાતે છે.
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાનની આ પ્રથમ મુંબઈ મુલાકાત છે. વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદી ગોરેગાંવમાં એક સભાને સંબોધિત કરશે. વડાપ્રધાનની મુંબઈ મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે PM મોદી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન સમારોહમાં પણ હાજરી આપી શકે છે. તેને ધ્યાનમાં રાખીને મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.